પાટણ, 22 ફેબ્રુઆરી (હિ.સ.) સરકારી વિનયન કોલેજ સાંતલપુરમાં 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આચાર્ય રાજા આયરના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમમાં કવિતા પઠન અને માતૃભાષા અંગે વિવિધ મંતવ્યો રજૂ કરવામાં આવ્યા.
વિદ્યાર્થી ચમન સુથારે કાર્યક્રમમાં માતૃભાષા દિવસનો ઇતિહાસ રજૂ કર્યો અને ગુજરાતી શબ્દો ખોવાઈ જતાંની વાત કરી, તેમજ ત્રણ ભાષાઓની તુલના કરી. પ્રાધ્યાપકોએ અકબર-બીરબલની વાર્તા દ્વારા માતૃભાષાનું મહત્વ સમજાવ્યું. સૈફ પાલનપુરી અને રાજેન્દ્ર શુક્લની કવિતાઓનું પઠન પણ કરવામાં આવ્યું.
કોલેજના નોટિસ બોર્ડ પર તળપદી ગુજરાતી શબ્દોની યાદી મૂકવામાં આવી, અને વિદ્યાર્થીઓને એ શબ્દો એકત્રિત કરવા માટે ગૃહકાર્ય આપવામાં આવ્યું. તમામ વિદ્યાર્થીઓએ સંકલ્પ કર્યો કે જ્યાં સુધી શક્ય હોય, ત્યાં સુધી માહિતીની આપ-લે ગુજરાતીમાં જ કરવી. શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓએ પણ સહયોગ આપ્યો, અને સમાજશાસ્ત્રની મુલાકાતી વ્યાખ્યાતા કલ્પનાપરમારે કાર્યક્રમનું દસ્તાવેજીકરણ કર્યું.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર