જૂનાગઢ- ફેબ્રુઆરી,૨૦૨૫ : ભવનાથ તળેટી, જૂનાગઢ ખાતે મહાશિવરાત્રીના ભવ્ય અને દિવ્ય મેળાના બીજા દિવસે શિવ ભક્તિ આરાધના આગળ વધી હતી.સાધુ સંત મહંતો અને દિગંબર સંન્યાસીઓએ અલખની ધૂણી ધખાવી છે. દૂર દૂરથી ભાવિક ભક્તજનોનો પ્રવાહ સતત વધી રહ્યો છે. ગિરનાર અને ભવેશ્વર મહાદેવનો જયઘોષ થઈ રહ્યો છે. ગિરનાર તળેટી ખાતે માનવ મહેરામણ ઉમટ્યો છે, ગિરનાર તીર્થક્ષેત્રમાં ભક્તિમય વાતાવરણ બન્યું છે.
મહાશિવરાત્રી મેળાનું સુંદર રીતે સરકારી સેવાઓની બાબતમાં વ્યવસ્થાપન થઈ શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર-પોલીસ તંત્ર સુંદર રીતે મેળાનું ટ્રાફિક સહિતનું સંચાલન કરી રહ્યું છે. સામાન્યમાં સામાન્ય ભાવિક ભક્તજનથી લઈને સાધુ-સંત મહંતો સહિત કોઈને પણ કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે.
સોરાષ્ટ્રની લોક સંસ્કૃતિમાં ભજન, ભોજન અને ભક્તિનું અનેરું મહત્વ છે.મહાશિવરાત્રી મેળા દરમિયાન ભવનાથ તળેટી,જૂનાગઢ ખાતે ભાવિક ભક્તજનોને આદરભાવ, સ્નેહભાવ સાથે તમામ અન્નક્ષેત્રોમાં પ્રસાદી ભોજન પીરસવામાં આવે છે. અહીં સ્વંય સેવકોની રાઉન્ડ ધ ક્લોક તપસ્યા સમાન સેવા આપી રહ્યા છે.
ભવનાથ તીર્થક્ષેત્રમાં સંચાલિત તમામ અન્નક્ષેત્રોમાં કચરાનું યોગ્ય વ્યવસ્થાપન, સ્વચ્છતાલક્ષી બાબતો, પાણીના યોગ્ય નિકાલની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. સેનિટેશન સહિતની વ્યવસ્થાઓ સુંદર રીતે સંચાલિત છે. સોરઠ ધરાનાં સંત મહંતોએ શરૂ કરેલ ‘હરિ હરિનો સાદ’ સાથેની ભોજન પરંપરા આજે પણ જીવંત છે. ગોરખનાથ આશ્રમ, આપા ગીગાનો ઓટલ આઈ ખોડિયાર રાસમંડળ ચેરીટેબલ ટ્રસ્ટ ભવનાથ તળેટી,જૂનાગઢ સહિતના સ્થળોએ ૨૪ કલાક નાના મોટા અનેક અન્નશ્રેત્રો શરૂ છે.
આઈ ખોડિયાર રાસમંડળ ચેરીટેબલ ટ્રસ્ટ ભવનાથ તળેટી,જૂનાગઢના ટ્રસ્ટી જાદવ મોહનભાઈ કાકડીયાએ જણાવ્યુ કે, લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર ખાતે ભવનાથ મહાદેવના દર્શને આવે છે. અમે તમામ લોકોને અમારા અન્નક્ષેત્રોમાં આદરભાવના અને સ્નેહભાવના સાથે આવકારીએ છીએ. લીલી પરિક્રમા વખતે પણ આવી સુંદર મજાની ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની મદદ મળી રહી છે. સાથે અહીં પીવાના પાણીની વ્યવસ્થા, કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા સાથે સ્વચ્છતાલક્ષી તમામ બાબતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. દરેક અન્નશ્રેત્રો ખાતે કચરાપેટીઓની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
ધર્મ અને જાતિ જ્ઞાતિના ભેદભાવથી ઉપર રહીને સર્વ ધર્મ સમભાવ, સમરસતાની ભાવના સાથે ભવનાથ ગીરનાર તળેટી ખાતે અન્નશ્રેત્રો ધમધમી રહ્યા છે. ભાવિક ભકજનો, મેળામાં આવતા મુલાકાતીઓ ભાવથી ભોજન પ્રસાદ લઈ રહ્યા છે, સનાતન ધર્મ સંસ્કૃતિ અને હર હર મહાદેવનો જયઘોષ કરી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ