પોરબંદર, 26 ફેબ્રુઆરી (હિ.સ.) પોરબંદર જિલ્લામાં 11,451 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે. ધોરણ 10 માં 10 કેન્દ્રોમાં 765, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 6 કેન્દ્રમાં 3492 અને વિજ્ઞાન પ્રવાહમાં એક કેન્દ્રમાં 354 પરીક્ષાાર્થીઓ નોંધાયા છે. આગામી તારીખ 27 ફેબ્રુઆરીથી રાજ્યમાં શરૂ થઈ રહેલી બોર્ડ પરીક્ષાઓ સંદર્ભે પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા સંપૂર્ણ તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.પોરબંદર જિલ્લામાં આ વર્ષે બોર્ડ પરીક્ષાઓમાં ધોરણ 10 અને 12ના મળીને કુલ 11,451 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
પોરબંદર જિલ્લામાં ધોરણ 10 માં 7605 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3492 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 354 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ગેરરીતિ અટકાવવા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા સંપન્ન થાય તે માટે પોરબંદર જિલ્લામાં તમામ પરીક્ષા સ્થળો પર સીસીટીવી કેમેરા દ્વારા પરીક્ષાઓનું મોનિટરીંગ કરવામાં આવશે. દરેક પરીક્ષા સ્થળ પર સીસીટીવીના સતત મોનીટરીંગ માટે અલગથી ‘સીસીટીવી મોનીટરીંગ સુપરવાઈઝર’ રાખવામાં આવ્યા છે.સાથે જ, 'આત્મવિશ્વાસ પરીક્ષા પે ચર્ચા ' અંર્તગત એસ.એસ.સી તથા એચ.એસ.સી વિષયોના પ્રશ્નોના સમાધાન તથા અન્ય મૂંઝવણો અંગે વિષય શિક્ષક તેમજ મનોચિકિત્સક દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.પોરબંદર જિલ્લામાં વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ સંપન્ન થાય તે માટે સ્ટ્રોંગ રૂમ, વીજ પુરવઠો, પરીક્ષા કેન્દ્રની નજીક આરોગ્ય સેવાઓ સહિત ટ્રાફિક પોલીસ સાથે પણ સંકલન કરીને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.પોરબંદર જિલ્લામાં ધોરણ 10માં 35, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 31 અને વિજ્ઞાન પ્રવાહમાં 1 દિવ્યાંગ પરીક્ષાર્થી પરીક્ષા આપશે.પોરબંદર શહેર અને ગ્રામ્ય પંથકમાં 10 કેન્દ્રમાં 32 બિલ્ડીંગ અને 269 બ્લોકમાં ધોરણ 10 ના પરીક્ષાર્થી પરીક્ષા આપશે. તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 6 કેન્દ્રોમાં 14 બિલ્ડીંગ અને 114 બ્લોકમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. ઉપરાંત વિજ્ઞાન પ્રવાહ માટે એક કેન્દ્રમાં 2 બિલ્ડિંગ અને 19 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે.
આમ, પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ સુનિશ્ચિત કરાઇ છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya