પાટણ, 26 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત સરકારે હિમોફિલિયા જેવા દુર્લભ રોગની સારવાર માટે મહત્વપૂર્ણ પહેલ કરી છે. ગુજરાતમાં 3,000થી વધુ હિમોફિલિયાના દર્દીઓ છે, જેમાં 225થી વધુ દર્દીઓ ઉત્તર ગુજરાતમાં વસે છે. 2012માં, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ગુજરાતની સિવિલ હોસ્પિટલોમાં હિમોફિલિયાના દર્દીઓ માટે મફત ઇન્જેક્શનની સુવિધા શરૂ કરવામાં આવી, જેના કારણે દર્દીઓનું આયુષ્ય વધ્યું છે અને તેઓ સરળ રીતે પોતાની રોજિંદી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.
ધારપુર સ્થિત જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલના હિમોફિલિયા ટ્રીટમેન્ટ સેન્ટરમાં ફેક્ટર-7, ફેક્ટર-8, ફેક્ટર-9 અને હેમલીબ્રા પ્રોફાઈલેક્સિસ જેવી અસરકારક સારવાર આપવામાં આવી રહી છે. 2024માં ફેક્ટર-7ના 27, ફેક્ટર-8ના 393, ફેક્ટર-9ના 187 અને હેમલીબ્રાના 152 દર્દીઓએ આ સારવાર લીધી છે.
હિમોફિલિયાની સારવારમાં સુધારા સાથે, હવે 30 જેટલા દર્દીઓને પ્રોફાઈલેક્સિસના અંતર્ગત માસિક એકવાર ફેક્ટર લેવાની જરૂર પડે છે, જે રક્તસ્ત્રાવની સંભાવના અને વિકલાંગતાને ઓછું કરે છે. 10 વર્ષ પહેલાં, આ પ્રકારની સારવાર ઉપલબ્ધ નહોતી, પરંતુ આજે સરકારના પ્રયાસોથી હિમોફિલિયા ધરાવતી વ્યક્તિઓ સામાન્ય જીવન જીવી શકે છે અને પોતાના સપના સાકાર કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર