- વાવણી પછી પાકમાં પાકના છોડ સિવાય ઉગી નીકળતી બિન ઉપયોગી અન્ય વનસ્પતિ એટલે નિંદણ
- સૌરાષ્ટ્ર વિસ્તારમાં મુખ્યત્વે એકદળી ઘાસ વર્ગ,દ્વિદળી પહોળા પાનવાળા અને હઠીલા નિંદણો જોવા મળે
- વિવિધ પરિબળો દ્વારા ખેત પેદાશમાં થતાં નુકશાનમાં સૌથી વધુ 33 ટકા સુધીનું નુકશાન માત્ર નિંદણથી થાય છે
અમરેલી/અમદાવાદ,26 ફેબ્રુઆરી (હિ.સ.) પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ઓછાં ખર્ચે થતી ખેતી. પાકની વૃદ્ધિ માટે જરુરી ઈનપુટ (ખેત સામગ્રી) બહારથી ન લેતાં, પ્રાકૃતિક સામગ્રી દ્વારા ખેડૂત પોતે તે બનાવી શકે છે. પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આધાર સ્થંભ છે, જેમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા (ભેજ) અને જંતુનાશક અસ્ત્રોનો સમાવેશ થાય છે.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ખેતરમાં પાક દરમિયાન ઉદ્દભવતી જીવાતોના નિયંત્રણ માટેના વિવિધ ઉપાયો કરતાં હોય છે.પ્રાકૃતિક ખેતીમાં નિંદણ નિયંત્રણ કરવું જરુરી છે, જો તેને નિંયત્રિત કરવામાં ન આવે તો પાકને નુકાશાન થાય છે.ખેતરમાં વાવણી પછી પાકમાં પાકના છોડ સિવાય ઉગી નીકળતી બિન ઉપયોગી અન્ય વનસ્પતિ એટલે નિંદણ.સૌરાષ્ટ્ર વિસ્તારમાં મુખ્યત્વે એકદળી ઘાસ વર્ગ, દ્વિદળી પહોળા પાનવાળા અને હઠીલા નિંદણો જોવા મળે છે.
કાળીયું,ખારીયું, સામો, ચોખલીયું, ભૂમસી, આરોતારો વગેરેનો એકદળી નિંદણમાં સમાવિષ્ટ છે. નોળું, કણજરો,હજારદાના, ભોંય આમલી, ધાજડવો, બેકરિયો, દુધેલી વગેરે બિન જરૂરી વનસ્પતિનો સમાવેશ દ્રિદળીમાં થાય છે.હઠીલા નિંદણોમાં ચીઢો, ધ્રો વગેરે અન્ય વનસ્પતિ સમાવિષ્ટ છે.
નિંદણ મુખ્ય પાક સાથે ભેજ, પોષક તત્વો, સૂર્ય પ્રકાશ અને જગ્યા માટે હરિફાઈ કરે છે. પાકના છોડની વૃદ્ધિ અને વિકાસને અટકાવે છે. વાવણી, આંતરખેડ, પિયત અને પાક કાપણીમાં નિંદણ એ ખેતીકાર્યોમાં નડતરરુપ બને છે. વિવિધ પરિબળો દ્વારા ખેત પેદાશમાં થતાં નુકશાનમાં સૌથી વધુ 33 ટકા સુધીનું નુકશાન પાકને ફક્ત નિંદણથી થાય છે. કેટલાક નિંદણો રોગ અને જીવાતનું આશ્રયસ્થાન હોય છે. પાકની ગેરહાજરીમાં રોગ અને જીવાતનો જીવનક્રમ
ચાલુ રાખવામાં તે મદદરુપ બને છે. ગાજર ઘાસ જેવા નિંદણો મનુષ્ય તેમજ પ્રાણીઓમાં એલર્જી જેવા રોગોને આમંત્રણ આપે છે. તંદુરસ્તીને નુકશાન પહોંચાડે છે.
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં ખેડૂતો નિંદણ માટે વિવિધ અવરોધક અને પ્રતિરોધક ઉપાયો અજમાવી શકે છે.રાજ્યમાં આગમી પાંચ વર્ષમાં સો ટકા પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા માટે મિશન મોડમાં પ્રયાસો થઈ રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્મન કર્યુ હતું. આ કડીના ભાગરુપે રાજ્યમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ભગીરથ પ્રયાસો કરવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ