- અટલ ઘાટ રિવરફ્રન્ટ પર ઐતિહાસિક ગ્રંથનું વિમોચન, જગન્નાથ મંદિરના મહંત સહિત મહાનુભાવો ઉપસ્થિત
અમદાવાદ,26 ફેબ્રુઆરી (હિ.સ.) જાણીતા ઇતિહાસકાર ડૉ. રિઝવાન કાદરી દ્વારા સંશોધિત અને સંપાદિત શ્રી સાબરમતી માહાત્મ્ય ગ્રંથ ભાગ-2નું લોકાર્પણ કરવામાં આવ્યું. અમદાવાદની 614મી વર્ષગાંઠ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા એક મહત્વપૂર્ણ ગ્રંથનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અટલ ઘાટ રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં 'સાભ્રમતિ માહાત્મ્ય ભાગ-2'નું વિમોચન થયું.
જાણીતા ઇતિહાસકાર ડૉ. રિઝવાન કાદરી દ્વારા સંશોધિત અને સંપાદિત આ ગ્રંથના લોકાર્પણ પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ધારાસભ્ય અમિત શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ આરતી પણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે સાબરમતી નદી, જે પ્રાચીન સમયમાં 'કાશ્યપી ગંગા' તરીકે ઓળખાતી હતી, તેની કુલ લંબાઈ 419 કિલોમીટર છે. આ ગ્રંથ પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી પ્રકાશિત કરવામાં આવ્યો છે.
સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અગાઉ પણ 'સરદાર પટેલ એક સિંહ પુરુષ', 'ટિળકની ટેક', 'સરદારની ભેખ' અને 'ગાંધી ટિળક, નોખા-અનોખા' જેવા મહત્વપૂર્ણ ગ્રંથોનું પ્રકાશન કરવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ