પાટણ, 26 ફેબ્રુઆરી (હિ.સ.) ઐતિહાસિક, ધાર્મિક તેમજ દેવોનું મોસાળ કહેવાતી નગરી એવી સિદ્ધપુર નગરીમાં મહાશિવરાત્રિ નિમિત્તે સરસ્વતી નદી કિનારે આવેલા બ્રહ્માડેશ્વર મહાદેવ, વાલકેશ્વર મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ, નીલકંઠેશ્વર મહાદેવ,અરવડેશ્વર મહાદેવ ની પાલખીઓ પિતાંબરધારી ભૂદેવો દ્વારા ખભે ઉચકીને બિંદુ સરોવરથી વિશાળ શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં 250થી વધુ ઘોડાઓ, ઊંટ અને બળદ ગાડા જોડાયા હતા
શોભાયાત્રામાં ગજરાજની સવારી વિવિધ રંગબિરંગી વસ્ત્રોમાં સજ્જ ઘોડેસવાર, શ્રદ્ધાળુઓ જોડાયા હતા. શોભાયાત્રા બિંદુ સરોવરથી નીકળી એલ એસ હાઈસ્કુલ, અફીણ ગેટ, પથ્થર પોળ, અલવાનો ચકલો, પસવાદળની પોળ, રૂદ્ર મહાલય, મંડીબજાર, ધર્મચકલા થઈ ગોવિંદ માધવ મંદિરે હરીહરનું મિલન થયા પછી વિસર્જન પામી હતી. મોડી સાંજે શિવ મંદિરોમાં ચાર પ્રહરની પૂજા યોજાઈ હતી આ સમગ્ર પાલખીયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં નાના ભૂલકાઓ અવનવા વસ્ત્રો પરિધાન કરી અશ્વો પર સવાર થઈ અને પાલખીયાત્રાને શોભાવી હતી. પાલખીયાત્રાની નગર પરિક્રમા દરમ્યાન ભક્તો દ્વારા ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને પાણી, શરબત સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.સૌ પ્રથમ બિંદુ સરોવર ખાતે હરિહર મિલન થયું હતું. આ પાવન પ્રસંગે નાના ભૂલકાઓ સાજ શણગાર કરી ઘોડા પર સવાર થઈ પાલખી યાત્રામાં જોડાયા હતા. તમામ શિવાલયો આ પર્વે શિવભક્તોની શ્રદ્ધા થી છલકાઈ ઉઠયા હતા. રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે પાલખીયાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.પાલિકાના સ્ટાફે શહેરની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ખડેપગે સેવા આપી હતી. પાલિકા પ્રમુખ સહિત કોર્પોરેરો સહિતના ભાજપના નેતાઓ અને અગ્રણીઓએ પણ પાલખીયાત્રાનું સ્વાગત કર્યું, સિદ્ધપુર પોલીસ દ્વારા શોભાયાત્રામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર