ફેબ્રુઆરીના અંતે આગામી 48 કલાકમાં બે-ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી શકે
અમદાવાદ,26 ફેબ્રુઆરી (હિ.સ.) ફેબ્રુઆરીના અંતે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને ઠંડીનું જોર ઘટી રહ્યું છે. આગામી 48 કલાકમાં બે-ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી શકે છે. એની સાથે-સાથે દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજને કારણે બફારાનું પ્રમાણ પણ વધ્યું છે,
Temperatures may rise by two to three degrees Celsius in the next 48 hours at the end of February.


અમદાવાદ,26 ફેબ્રુઆરી (હિ.સ.) ફેબ્રુઆરીના અંતે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને ઠંડીનું જોર ઘટી રહ્યું છે. આગામી 48 કલાકમાં બે-ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી શકે છે. એની સાથે-સાથે દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજને કારણે બફારાનું પ્રમાણ પણ વધ્યું છે, જેથી હવામાન વિભાગે આગામી 48 કલાક માટે રાજ્યના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. દરિયાની સપાટીથી 50 કિલોમીટર જમીન તરફના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાત પર ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે. જમીનની સપાટી પરથી આવતા આ પવનો સામાન્ય રીતે ગરમ હોય છે, જેના કારણે રાજ્યમાં બફારાનું પ્રમાણ ઉત્તરોતર વધી રહ્યું છે અને આગામી બે દિવસમાં તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચી શકે એવું અનુમાન લગાવ્યું છે. આગામી 24 કલાક તાપમાન યથાવત્ રહેશે. ત્યાર બાદ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવાની સંભાવના છે. બીજી તરફ, રાજ્યભરના લઘુતમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો નોંધાયો છે તથા મહત્તમ તાપમાન યથાવત્ નોંધાયું છે. આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યભરનું વાતાવરણ શુષ્ક રહેવાની સાથે તાપમાનમાં ક્રમશઃ વધારો થવાની પણ શક્યતા છે.

ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન સુરતમાં 37.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સિવાય રાજ્યનાં અન્ય ત્રણ મહાનગરમાં પણ મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું, જેમાં અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 34.9 ડિગ્રી સેલ્સિયસ, વડોદરાનું 35 ડિગ્રી સેલ્સિયસ અને રાજકોટમાં 36.9 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande