વલસાડ, 27 મે (હિ.સ.)-વલસાડના પારડી હાઈવે પર જાહેર રસ્તા પર જીવલેણ રીતે કાર ચલાવતી ટોળકી સામે પોલીસે કાર્યવાહી કરી છે. એક સાથે 9 કારમાં જોખમી સ્ટંટ કરનાર 10 યુવકોને પોલીસે ઝડપી લીધા છે. આ યુવકો સોશિયલ મીડિયા પર ફેમસ થવાની લ્હાયમાં વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરતા હતા. વીડિયો વાયરલ થતા પોલીસે તરત એકશન લઈ તમામને અટકાયત કરી હતી.
આ યુવકો નેશનલ હાઈવે નં. 48 પર દરદાફાર ઝડપે કાર ચલાવી, ટ્રાફિકમાં ખલેલ પહોંચાડતા હતા. તેઓએ કારમાંથી બહાર આવી વિવિધ સ્ટંટ કરતાં વીડિયો બનાવ્યા હતા. જાહેર રસ્તા પર લોકોની સલામતી સાથે ચેડાં કરતાં આ યુવકોની સાથે પોલીસે 82 લાખથી વધુની કિંમતની 9 કાર પણ જપ્ત કરી છે.
વિડિયો સામે આવતા પોલીસ એકશનમાં આવી અને તમામને કાયદાકીય રીતે દંડિત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ યુવકો સામે જાહેર માર્ગો પર જોખમી ડ્રાઈવિંગ તથા સ્ટંટ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે