મોડાસા, 28 મે (હિ.સ.) સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા હિંમતનગર GMERS મેડિકલ કોલેજ ખાતે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં મેનાર્કી પ્રથમ વાર રાજસ્વલા થયેલ દીકરીઓના કુમ કુમ તિલક અને અક્ષતથી સન્માન કરાયુ હતું. ત્યારબાદ દોલતાબાદની કિશોરીઓ ધ્વારા માસિક સ્વાસ્થ્ય અંતર્ગત નાટક, ઓનલાઈન કવીઝ, સ્વાસ્થ્ય ચેમ્પિયન ટંગ ટ્વિસ્ટર જેમાં અટપટા વાક્યોની રમત જેવી વિવિધ રમત યોજાઇ હતી. તાલુકા અને જિલ્લા કક્ષાની વિવિધ હરીફાઈના વિજેતાઓને ઇનામ જેવા રસપ્રદ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યુ હતુ.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયા એ જણાવ્યું કે દીકરીઓના શારીરિક અને માનસિક પરિવર્તનના મહત્વપૂર્ણ તબક્કાને સન્માન આપવા માટે આ કાર્યક્રમ આયોજિત કર્યો છે. દીકરીઓને આરોગ્ય તથા માસિક સ્વચ્છતા જાગૃતિ સંબંધિત માર્ગદર્શન આનંદભેર મળી રહે તે અગત્યનું છે. ગ્રામ્ય અને શહેરી બન્ને વિસ્તારની કિશોરીઓને સેનેટરી પેડનો ઉપયોગ અને યોગ્ય નિકાલ, આર્યન પોષણયુક્ત આહારની અગત્યતા, જીવન પર્યન્ત વ્યાયામ જેવી બાબતો અંગે સર્વેને માર્ગદર્શિત કર્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા રોગાચાળા નિયંત્રણ અધિકારી ડો. પ્રવીણ ડામોર, તાલુકા આરોગ્ય અધિકારી ડો. રાજેશ પટેલ સહિત અધિકારી ડી.એસ.પી કચેરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પ્રાથમિક શાળાની શિક્ષિકાઓ, નર્સિંગ કોલેજની વિધાર્થીનીઓ અને પિયર એજ્યુકેટર ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ