અપહરણકાર મહિલા અપહ્યુત બાળકીના વાળ કાપી શકી, પણ કાનૂનના હાથ નહીં
ગાંધીનગર, 29 મે (હિ.સ.) : અમદાવાદમાં ચાર વર્ષની બાળકીના અપહરણનો બહુચર્ચિત કેસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઉકેલી દીધો છે. ચાર દિવસથી ગુમ બાળકી શોધી કાઢવામાં આવી છે અને આરોપી અપહરણકાર મહિલાને ઝડપી લેવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પોલી
અમદાવાદ અપહરણ કેસ


અમદાવાદ અપહરણ કેસ


ગાંધીનગર, 29 મે (હિ.સ.) : અમદાવાદમાં ચાર વર્ષની બાળકીના અપહરણનો બહુચર્ચિત કેસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઉકેલી દીધો છે. ચાર દિવસથી ગુમ બાળકી શોધી કાઢવામાં આવી છે અને આરોપી અપહરણકાર મહિલાને ઝડપી લેવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પોલીસની આ કામગીરીને બિરદાવી છે.

તા. 24 મે, 2025ના રોજ સાંજે અમદાવાદના લૉ ગાર્ડનમાંથી 4 વર્ષની બાળકી પીહુ ગુમ થઈ ગઈ હતી.

વ્હાલસોઈ દીકરી લાપતા થઈ જતા માતા-પિતાનાં પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને ત્વરિત નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જઈ તેમણે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

પીહુને શોધવા માટે, પોલીસ કમિશનરના આદેશથી 10 પોલીસ ઇન્સ્પેક્ટર (PI), 02 પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI), અને 36 કોન્સ્ટેબલ ઉપરાંત ટેકનિકલ ટીમ સહિત કુલ 70 પોલીસકર્મીઓની સાત ટીમો બનાવવામાં આવી હતી. પીહુ લાલ રંગનો ચોકડી ડિઝાઇનવાળો શર્ટ અને ભૂરા રંગનું જીન્સ પહેરેલી હતી. તે ગુજરાતી અને હિન્દી બંને ભાષા સારી રીતે બોલી અને સમજી શકતી હતી, તે પોલીસને જાણવા મળ્યું હતું.

પોલીસની ટીમોએ દિવસ-રાત જોયા વગર, સતત 96 કલાક સુધી સઘન શોધખોળ કરી હતી. પોલીસે પીહુને શોધવા માટે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેન્સ સહિતની પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો. લૉ ગાર્ડન અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરવામાં આવી. ગુમ થયેલી બાળકી સુધી પહોંચવા માટે રિક્ષા ડ્રાઈવરોની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

આ તપાસ ક્રાઈમ બ્રાન્ચના અગાઉના અનુભવ અને સ્ટાફની કુશળતાના આધારે ઝડપથી આગળ વધી રહી હતી.

અપહરણકારે પીહુની ઓળખ છુપાવવા માટે તેના વાળ કાપી નાખ્યા હતા. તેમ છતાં, પોલીસની મહેનત અને ટેકનિકલ સર્વેલન્સને કારણે, પોલીસે આરોપી નિકિતા ઉમેશભાઈ દંતાણી (ઉંમર 35 વર્ષ) ને ઝડપી પાડી અને પીહુને સુરક્ષિત રીતે શોધી કાઢી છે. પીહુનો તેના પરિવાર સાથે ભેટો કરવામાં આવ્યો હતો. જે સમગ્ર પરિવાર અને પોલીસ માટે એક ખુશીનો પ્રસંગ હતો.

હાલમાં, આરોપી મહિલા સામે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે, અને પોલીસ અપહરણના કારણો પર વધુ તપાસ કરી રહી છે.

આરોપી અપહરણકારે પોલીસથી બચવા માટે બાળકીના વાળ તો કાપી નાખ્યા પરંતુ કાનૂનના લાંબા હાથ કાપી શકી નહીં, નાની બાળકીનું અપહરણ કરનાર આરોપી સુધી અમદાવાદ પોલીસ ગણતરીના કલાકોમાં પહોંચી ગઈ.

આ સફળ કામગીરી બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ટીમને અભિનંદન પાઠવ્યા છે.

નોંધનિય છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ બાળકોને બચાવવા નિયમિત ભીખ માંગતા લોકો વિરોધી ઝુંબેશ ચલાવી રહી છે અને છેલ્લા 9 મહિનામાં 100થી વધુ બાળકોને બચાવવામાં આવ્યા છે. એટલું જ નહિ, 48થી વધુ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. AHTU (એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ) અને IUCAW (મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ માટે તપાસ યુનિટ) જેવા એકમો પણ આ કામગીરીમાં સક્રિય છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande