પાટણ, 29 મે (હિ.સ.)કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ પાટણ જિલ્લામાં 29 મે, 2025ના રોજ 'ઓપરેશન શિલ્ડ' અંતર્ગત મોકડ્રિલ યોજવાનું આયોજન થયું હતું. જોકે, વહીવટી કારણોસર કેન્દ્ર સરકાર દ્વારા મોકડ્રિલ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવતા રાજ્ય સરકારે પણ આજના રોજ યોજાનાર મોકડ્રિલને સ્થગિત રાખી છે. હવે આગામી સમયમાં નવી તારીખ જાહેર કરાશે.
પાટણ જિલ્લામાં મોકડ્રિલ માટે કુલ 18 સ્થળોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં બીપીસીએલ અને આઇઓસીએલ ટર્મિનલ સિધ્ધપુર, જીઆઇડીસી સિધ્ધપુર, પાટણ, સિધ્ધપુર, ચાણસ્મા, હારીજ અને રાધનપુર નગરપાલિકા વિસ્તારનો સમાવેશ થતો હતો.
આ ઉપરાંત રાધનપુરની આઇઓસીએલ પાઇપલાઇન યુનિટ, સાંતલપુરમાં એચપીસીએલ પંપિંગ સ્ટેશન અને સરહદી આઠ ગામોમાં પણ આ મોકડ્રિલ યોજાની હતી. જોકે હવે આ તમામ સ્થળોએ યોજાનાર મોકડ્રિલ હાલ માટે મોકૂફ રાખવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર