ફાયનાન્સ કંપનીમાંથી લીધેલી 2.40 કરોડની લોન નહીં ભરતા કોર્ટ દ્વારા મિલકત સીલ કરાઈ હતી
સુરત, 29 મે (હિ.સ.)-શહેરના યોગીચોક વિસ્તારમાં રહેતા અને પાલ વિસ્તારમાં રાજ આર્કેડ ની બાજુમાં મીના બજારના અપર ગ્રાઉન્ડ બેઝમેન્ટની પ્રોપર્ટી માં વેપાર ધંધો કરવા માટે મેડિકલ સ્ટોરના માલિકે યુગરો કેપિટલ લિમિટેડ નામની કંપની માંથી રૂપિયા 2.40 કરોડની લોન લી
Money


સુરત, 29 મે (હિ.સ.)-શહેરના યોગીચોક વિસ્તારમાં રહેતા અને પાલ વિસ્તારમાં રાજ આર્કેડ ની બાજુમાં મીના બજારના અપર ગ્રાઉન્ડ બેઝમેન્ટની પ્રોપર્ટી માં વેપાર ધંધો કરવા માટે મેડિકલ સ્ટોરના માલિકે યુગરો કેપિટલ લિમિટેડ નામની કંપની માંથી રૂપિયા 2.40 કરોડની લોન લીધી હતી. પરંતુ આ લોનની રકમ ભરપાઈ નહીં કરતા કોર્ટના હુકમથી મિલકત સીલ કરવામાં આવી હતી. પરંતુ સીલ કરાયેલી મિલકતમાં મેડિકલ સ્ટોરના માલિકે છેડછાડ કરી સીલ ખોલીને પ્રોપર્ટીમાં અનઅધિકૃત રીતે પ્રવેશ કર્યો હતો. જેથી આખરે કંપની દ્વારા ગતરોજ મેડિકલ સ્ટોરના માલિક સામે પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગેરકાયદે ગૃહ અપપ્રવેશનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે ઉધના દરવાજા સેન્ચ્યુરી બિલ્ડીંગમાં યુગરો કેપિટલ લિમિટેડ નામની કંપનીમાં ઓથોરિટી હોલ્ડર તરીકે નોકરી કરતા પ્રદીપભાઈ પાર્થિવભાઈ ચૌધરીએ ગતરોજ પાલ પોલીસ મથકમાં ભદ્રેશભાઈ લાલજીભાઈ ગોયાણી (રહે. મેજિસ્ટિક યોગીચોક) સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ભદ્રેશ ગોયાણી શહેરના પર્વત પાટિયા ચાર રસ્તા પાસે શંખેશ્વર કોમ્પલેક્ષમાં વિજય મેડિકલ સ્ટોર નામથી દુકાન ધરાવે છે. તેઓએ યુગરો કેપિટલ લિમિટેડ નામની ફાઇનાન્સ કંપનીમાંથી ન્યુ પાલ રોડ પર રાજ આર્કેટની બાજુમાં દાદા દર્શન કોમ્પલેક્ષ ખાતે મીના બજારનું અપર ગ્રાઉન્ડ બેઝમેન્ટની પ્રોપર્ટીમાં વેપાર ધંધો કરવા માટે બે અલગ અલગ લોન લીધી હતી. જેમાં ભદ્રેશ ગોયાણીએ પહેલા રૂપિયા 1.90 કરોડની લોન લીધી હતી અને આ લોન ભરપાઈ કરવાની બાકી હોવા છતાં પણ તેમણે રૂપિયા 50.51 લાખની ટોપઅપ લોન લીધી હતી. જોકે આ બંને લોન ભરપાઈ નહીં કરતા નામદાર કોર્ટના હુકમથી આખરે આ પ્રોપર્ટી સીલ કરવામાં આવી હતી. પરંતુ ભદ્રેશ ગોયાણીએ નામદાર કોર્ટના હુકમનો પણ અનાદર કરી ફાઈનાન્સ કંપનીની પૂર્વ મંજૂરી વગર જ પ્રોપર્ટી ને સીલ કરેલ સાંકળ સાથે કરી સીલ ખોલીને પ્રોપર્ટીમાં અનઅધિકૃત રીતે પ્રવેશ કર્યો હતો. જેથી આખરે યુગરો કેપિટલ લિમિટેડના ઓથોરિટી હોલ્ડર પ્રદીપભાઈ ચૌધરીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ભદ્રેશ ગોયાણી સામે ગૃહ અપપ્રવેશનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande