પાટણ, 29 મે (હિ.સ.) પાટણ શહેરમાં રોટરી ક્લબ પાટણ અને જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે મેન્સ્ટ્રુઅલ હાઈજીન દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. પાટણ યુનિવર્સિટી ખાતે આવેલા કનવેનશનલ હોલમાં મહિલા પોલીસ કર્મચારીઓ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં મહિલા પીઆઈ એડી ભટ્ટ, પીઆઈ બીપી મેણાત અને પીઆઈ મોડીયા ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબના પ્રમુખ બીઆર પટેલ અને મંત્રી નીરવ પટેલે અગ્રણીઓનું બુકે આપી સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમમાં ડૉ. નૈસર્ગીબેન પટેલે મેન્સ્ટ્રુઅલ કપના શારીરિક અને આર્થિક ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સેનેટરી પેડની તુલનામાં મેન્સ્ટ્રુઅલ કપ વધુ આરોગ્યપ્રદ અને પર્યાવરણમૈત્રી છે. પેડમાં રહેલા પ્લાસ્ટિકના ઘટકો ઇન્ફેક્શન ફેલાવી શકે છે અને તેને નાશ પામતા વર્ષો લાગી શકે છે, જ્યારે મેડિકલ ગ્રેડ સિલિકોનથી બનેલા કપ લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય એવા, સુરક્ષિત અને પર્યાવરણને નુકસાન વગરના હોય છે.
કાર્યક્રમના કોઓર્ડિનેટર ડૉ. બાબુભાઈ પ્રજાપતિએ માહિતી આપી હતી કે અમદાવાદની સોલીટાયર રોટરી ક્લબના પ્રોજેક્ટ હેઠળ ઓમ્ની લેન્સ પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ રવિ શ્રીવાસ્તવના પ્રયત્નોથી એક કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. આ અંતર્ગત જર્મન કંપનીના અંદાજે 2700 રૂપિયાની કિંમતના 200 થી વધુ મેન્સ્ટ્રુઅલ કપનું વિતરણ પાટણની મહિલા પોલીસમાં કરવામાં આવ્યું હતું.
જિલ્લા પોલીસ વડા વી.કે. નાયીના નેતૃત્વ હેઠળ આયોજિત આ આરોગ્યલક્ષી કાર્યક્રમ પાટણ પોલીસના ઇતિહાસમાં નોંધપાત્ર બનાવાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા આરપીઆઈ એન.ડી. પટેલ અને પીએસઆઈ જે.એસ. ચૌધરીએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રોટરીના યોગેશ પ્રજાપતિ, વિનોદ જોશી, પરેશ પટેલ, રીના પટેલ, નિમિષા પટેલ અને દક્ષાબેન પ્રજાપતિ પણ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર