પાટણ, 30 મે (હિ.સ.)પાટણ એલસીબી પોલીસે સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શેરપુરા ગામ પાસે કેનાલ પાસે દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સને ઝડપી લીધો છે. આ શખ્સની ઓળખ રફીક ઉર્ફે સોઢાભાઈ (રહે. મેરા, તા. દશાડા, જિ. સુરેન્દ્રનગર) તરીકે કરવામાં આવી છે.
પોલીસે આરોપી પાસેથી અંદાજિત રૂ. 2,500 કિંમતની દેશી બનાવટની બંદૂક જપ્ત કરી છે. આ મામલે સમી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ-25(1-બી)એ અને જી.પી. એક્ટ કલમ-135 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીને વધુ પૂછપરછ માટે સમી પોલીસને સોંપવામાં આવ્યો છે.
પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા આધારે એલસીબી ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગર ની ટીમે ગેરકાયદે હથિયારો અંગે ચાલી રહેલી તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર