ગીર સોમનાથ 31 મે (હિ.સ.) જિલ્લામાં યુદ્ધ સહિતની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે નાગરિક સંરક્ષણની તૈયારીઓ માટે સમગ્ર રાજ્યની સાથે સાથે ગીર સોમનાથ જિલ્લામાં આવતીકાલ તા.૩૧ મેના રોજ સિવિલ ડિફેન્સની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાશે.
ગીર સોમનાથ જિલ્લામાં સાંજના ૦૫:૩૦ કલાકથી સોમનાથ મંદિર ખાતે તેમજ સાંજના ૦૬:૩૦ કલાકથી વેરાવળ કોસ્ટ ગાર્ડ સ્ટેશન અને કોડીનાર છારા પોર્ટ ખાતે મોકડ્રીલ યોજાશે.
મોકડ્રિલ સંદર્ભે સાંજના ૦૭.૪૫ થી ૦૮.૧૫ સુધી બ્લેકઆઉટ રહેશે. આ બ્લેકઆઉટમાં નાગરિકોને સહકાર આપવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
મોકડ્રીલ દ્વારા નાગરિક સંરક્ષણની તૈયારીઓ, દુશ્મન દેશો દ્વારા થતા ડ્રોન/મિસાઇલ/હવાઈ હુમલા સામે બચાવ માટેની તૈયારીઓ, સિવિલ તથા મિલિટરી ઓથોરીટી વચ્ચે તાલમેલ અંગેનો અભ્યાસ કરી ત્રૂટીઓ દૂર કરવામાં આવશે.
આ મોકડ્રીલમાં નાગરિક સંરક્ષણ દળમાં નવા નોંધાયેલ ૨૩૧૨ જેટલા સ્વયંસેવકો, એન.સી.સી કેડેટ્સ, હોમ ગાર્ડ્સ, બ્લેક આઉટ વોર્ડન વગેરે જોડાશે.
આ મોકડ્રિલ દરમિયાન હવાઈ હુમલા સમયે સાયરન દ્વારા એલર્ટ, બ્લેકઆઉટ પ્રોટોકોલ, કોમ્યુનીકેશન સીસ્ટમ, મેડીકલ રીસ્પોન્સ, ઇવેક્યુએશન, વહીવટી તંત્રની સુસજ્જતા, વોલિયન્ટિયર્સ, આરોગ્ય વિષયક બાબતો, ફાયર સેફ્ટી અને આપાતકાલીન વ્યવસ્થાઓ સહિતના પાસાઓને આવરી લઈ અને નાગરિકો અને તેમની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા જેવી વિવિધ બાબતોને ચકાસવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ