પાટણ, 31 મે (હિ.સ.)પાટણ નગરપાલિકાની સાપ્તાહિક સંકલન બેઠકમાં પ્રમુખ હિરલબેન પરમારે પ્રિમોન્સુન કામગીરી અંગે કડક નિર્દેશો આપ્યા. તેમણે ચેતવણી આપી કે જો વરસાદ દરમિયાન જળ ભરાવની ફરિયાદો મળે તો સંબંધિત અધિકારીઓ સામે સસ્પેન્ડ સુધીની કાર્યવાહી થશે. નાળા અને નહેરોની સફાઈના કામ પર વિશેષ ભાર મૂકાયો છે.
બેઠકમાં ઉપપ્રમુખ હિનાબેન શાહ, કારોબારી ચેરમેન મુકેશ પટેલ સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રમુખે જણાવ્યું કે, પ્રિમોન્સુન કામગીરીમાં બેદરકારી દાખવનાર વોર્ડ ઈન્સ્પેક્ટર અને શાખાધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવશે. વરસાદી પાણી ભરાતા વિસ્તારોમાં પંપ મૂકવા અને જેટિંગ મશીનનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે.
માખણિયા વિસ્તારમાં કચરાના સેગ્રીગેશન માટે ટેન્ડર પ્રાદેશિક કચેરીમાં મોકલવામાં આવ્યું છે. જૂના કચરાના ટેન્ડરો આર.સી.એમ.માં મંજૂરી માટે મોકલાયા છે. શહેરના જર્જરિત મકાનોનો સર્વે કરીને નોટિસ આપવાનું કાર્ય શરૂ કરાયું છે. રસ્તા પરના લારી-ગલ્લા અને દબાણો દૂર કરવા માટે એસ.આઈ.એ.એ તૈયારી દર્શાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર