પાટણ, 15 જૂન (હિ.સ.) પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુના ગામમાં રાજકીય અને અંગત અદાવતના કારણે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ છે. ઘટના બાદ બંને પક્ષે પોલીસ ફરિયાદો નોંધાવી છે. પોલીસે ફરિયાદોના આધારે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. અહીં સરકારી જાહેરનામાનો ભંગ થવાનો પણ મામલો સામે આવ્યો છે.
પ્રથમ ફરિયાદ 46 વર્ષીય ખેડૂત અબ્દુલમલેક શેખ દ્વારા નોંધવામાં આવી હતી. તેમની ફરિયાદ મુજબ, આગામી ચૂંટણીમાં ઇલિયાસભાઈને ટેકો આપવાના કારણે હબીબુરરહેમાન અને તેના સાથીદારોએ તલવાર અને લાકડીથી હુમલો કર્યો હતો. હબીબુરરહેમાને ફરિયાદીના માથાના જમણા ભાગે તલવાર મારી હતી, જ્યારે અન્ય આરોપીઓએ પણ શારીરિક ઈજાઓ પહોંચાડી હતી.
બીજી ફરિયાદ 42 વર્ષીય ખેડૂત જમીઉલ રહેમાન મૌલવી દ્વારા નોંધવામાં આવી છે. ફરિયાદ મુજબ, અગાઉની અદાવતના કારણે સુફીયાન ભોરણીયા અને તેના સાથીદારો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. લોખંડની પાઈપ, તલવાર અને લાકડીથી હુમલો કરી ફરિયાદી અને તેના પરિવારજનોને ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. ઉપરાંત ઘરમાં અને ગાડીમાં તોડફોડ કરી, જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર