પોરબંદર, 16 જૂન (હિ.સ.) : પોરબંદર શહેર અને જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળતો હતો. પરંતુ આજે સોમવારે મેઘરાજાનું આગમન થતા લોકોમાં ખુશી જોવા મળી હતી. ખાસ કરીને પોરબંદરના બરડા પંથકમાં વાવણી લાયક બે-અઢી ઇંચ વરસાદ થતા ખેડૂતોએ લાપસીનાં આંધણ મૂક્યા હતા. પોરબંદર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળ છાયા વાતાવરણની સાથે અસહ્ય ઉકળાટ પણ જોવા મળતો હતો. ત્યારબાદ આજે સોમવારે સવારના સમયે મેઘરાજાનું આગમન થયું હતું.
બપોર સુધી ધીમી ધારે વરસાદ પડતા પોરબંદર શહેરમાં 1ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. જેને પગલે માર્ગો પર પાણી ફરી વળ્યાં હતા. બરડા પંથકની વાત કરીએ તો ભેટકડી, ફટાણા, શીંગડા, બગવદર, ખંભોદર અને ભરવાડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને પગલે વાડી-ખેતરો છલકાઈ ઉઠ્યા હતા.બરડા પંથકના મોટાભાગના ગામોમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. સામાન્ય રીતે 20 જૂનથી વીધીવત રીતે ચોમાસાનો પ્રારંભ થતો હોય છે. પરંતુ આ વખતે ચોમાસાનું વહેલું આગમન થયું ખાસ કરીને પોરબંદરના બરડા પંથકમાં વાવણી લાયક વરસાદ થતા હરખની હેલી જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya