પોરબંદર, 19 જૂન (હિ.સ.) : આગામી 21 જૂન 2025ના રોજ સમગ્ર દેશમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી વિશાળપણે કરવામાં આવનાર છે. આ સંદર્ભમાં પોરબંદર જિલ્લામાં યોજાનાર જિલ્લાકક્ષાની ઉજવણીનીના આયોજન અંગે આજરોજ પોરબંદર જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.
પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી .ધાનાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી યુએનમાં સ્વીકૃતિ થયા બાદ વૈશ્વિક કક્ષાએ દર વર્ષે 21 મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. આજ પ્રમાણે પોરબંદર જિલ્લા કક્ષાએ પણ વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે પોરબંદર મહાનગરપાલિકા કાર્યરત હોવાથી મહાનગરપાલિકા કક્ષાનો પણ એક અલગથી કાર્યક્રમ યોજાનાર છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગરના ગુજરાત રાજ્ય યોગબોર્ડ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, પોરબંદરના સંયુક્ત ઉપક્રમે 11મા વિશ્વયોગ દિવસ ઉજવણી કાર્યક્રમ - 2025 નું આયોજન આગામી તા:21/06/2025 ના રોજ જિલ્લાકક્ષા, મહાનગરપાલિકાકક્ષા, તાલુકા-નગરપાલિકા, ગ્રામ્ય તેમજ શાળા/સંસ્થાકક્ષાએ યોજાનાર છે.જેમાં જિલ્લાકક્ષાનો કાર્યક્રમ હજૂર પેલેસ પાછળ, ચોપાટી, ખાતે, મહાનગરપાલિકાનો કાર્યક્રમ ડો.વિ.આર.ગોઢાણીયા મહિલા કોલેજ, પોરબંદર ખાતે પોરબંદર તાલુકાકક્ષાનો કાર્યક્રમ શ્રી સ્વામી નારાયણ ગુરુકુળ, છાંયા ખાતે, રાણાવાવ તાલુકાકક્ષા/નગરપાલિકાકક્ષા (સંયુક્ત), સરકારી હાઈસ્કુલ, રાણાવાવ ખાતે , કુતિયાણા તાલુકા/નગરપાલિકાકક્ષા (સંયુક્ત), ડો. આંબેડકર ભવન કુતિયાણા ખાતે યોજાનાર છે.
જેના બહોળા પ્રચાર-પ્રસાર માટે ગુજરાત રાજ્ય યોગબોર્ડ, પોરબંદર દ્વારા છેલ્લા એક મહિનાથી સમગ્રજિલ્લામાં લોકજાગૃતિના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકો યોગ પ્રત્યે જાગૃત બને અને યોગને પોતાની દિનચર્યાનો હિસ્સો બનાવી નીરોગી રહે તેવા હેતુથી જીલ્લામાં યોગ શિબિરો, સમર કેમ્પ, જેવા કુલ. 90 કાર્યક્રમોનું આયોજન થયેલ હતું. અને આ કાર્યક્રમોમાં કુલ 6600 જેટલા લોકોએ ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી હતી કે, લોકોમાં યોગ પ્રત્યે એટલી જાગૃતતા આવે કે લોકો સ્વયંભૂ યોગ કરતા થાય તેમજ કલેક્ટરએ કાર્યક્રમ પ્રત્યે કટિબદ્ધતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હાલના વરસાદી વાતાવરણને ધ્યાને લઈને જરૂર પડે તો બંધ હોલમાં પણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. આ બેઠકમાં પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી બી. બી ચૌધરી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, અધિક જિલ્લા કલેક્ટર જે બી વદર, ડેપ્યુટી મ્યુ. કમિશ્નર હર્ષ પટેલ તેમજ વિવિધ ટીવી ચેનલ, સમાચાર પત્રના પત્રકાર પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya