મોડાસા, 24 જૂન (હિ.સ.) ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, અરવલ્લી જિલ્લા શાખા, મોડાસા, સ્થાપના વર્ષ 2015થી આરોગ્ય, રોજગાર, શિક્ષણ અને સામાજિક સેવાઓ દ્વારા જન સમુદાયની સેવા કરી રહી છે. સાથે જ, પર્યાવરણ સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે “વૃક્ષ ઉછેર કાર્યક્રમ” હેઠળ વ્યાપક વૃક્ષારોપણ અભિયાન ચલાવી રહી છે.
ગત વર્ષે સિંચાઇ કોલોની, મોડાસા ખાતે 2000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વૃક્ષોનું માનવબળ દ્વારા પાણી, ખાતર, સફાઈ અને નિયમિત જાળવણીથી જતન કરવામાં આવ્યું છે. ખાસ કરીને, ઉનાળાની ગરમીમાં પણ પૂરતું પાણી આપી વૃક્ષોને જીવંત રાખવા સતત પ્રયાસો કરવામાં આવ્યા છે. આ પ્રયાસોના પરિણામે સિંચાઇ કોલોની આજે એક “ઓક્સિજન પાર્ક”ના રૂપમાં ઉભરી રહી છે, જે આવનારી પેઢીને શુદ્ધ વાતાવરણ પૂરું પાડશે.
આ અભિયાનમાં સિંચાઇ વિભાગ, મોડાસાનો મહત્વનો સહયોગ રહ્યો છે, જેમણે જગ્યા અને પાણીની વ્યવસ્થા પૂરી પાડી. આ સફળતાને આગળ ધપાવવા રેડક્રોસ સોસાયટી આગામી સમયમાં વધુ વૃક્ષો વાવી અરવલ્લી જિલ્લામાં ઓક્સિજન પાર્કની સ્થાપના કરવા પ્રતિબદ્ધ છે. આ ઉપરાંત, વિવિધ ફળના છોડનું વાવેતર અને જાળવણી પણ કરવામાં આવશે.
રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લાના તમામ નાગરિકોને આ અભિયાનમાં સહભાગી થવા અપીલ કરે છે. તમે સ્વેચ્છાએ વૃક્ષારોપણ કરી શકો છો અથવા રેડક્રોસ દ્વારા તમારા નામે વૃક્ષો વાવી તેનું જતન કરાવી શકો છો. સંસ્થા 8 ફૂટના વૃક્ષોને ટ્રી ગાર્ડ અને કાયમી દેખરેખ સાથે સુરક્ષિત રાખશે. સંસ્થા 80G અને CSR પ્રમાણપત્ર ધરાવે છે, જેથી તમારું દાન પર્યાવરણ સંરક્ષણ માટે ઉપયોગી થશે.
આવો, સૌ સાથે મળી પર્યાવરણ બચાવવાની આ નેક પહેલમાં જોડાઈએ અને આવનારી પેઢી માટે શુદ્ધ વાતાવરણની ભેટ આપીએ.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ