સુરત, 24 જૂન (હિ.સ.)-સુરતમાં સતત વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઇ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળ (SDRF) ની ટીમોને તાત્કાલિક તૈનાત કરવામાં આવી છે.
SRP વાવ કેમ્પ ખાતે SDRFની એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જ્યારે બીજી ટીમને ભારે વરસાદથી વધુ અસરગ્રસ્ત નવસારી જિલ્લામાં મોકલવામાં આવી છે, જ્યાં નદીઓ અને નાળાઓ ઓવરફ્લો થવાના સમાચાર મળ્યા છે.
કુલ 50 અધિકારી અને જવાનોની બે ટીમો હાલ બચાવ અને રાહત કામગીરીમાં સક્રિય છે. ટીમો પાસે બોટ, રબર બોટ, જીવ બચાવ સાધનો, GPS અને ફર્સ્ટએડ કીટ જેવી તમામ જરૂરી તકેદારી અને સાધનો ઉપલબ્ધ છે.
SDRFની ટીમો રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહી છે અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરીમાં લાગેલી છે. જિલ્લા વહીવટી તંત્ર સાથે મળીને જળમગ્ન વિસ્તારોમાં લોકો સુધી રાહત પહોંચાડી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે