મોડાસા,
3 જૂન (હિ.સ.) તાજેતરમાં મોડાસાની પોશ અર્બન રેસ્ટોરન્ટમાં મોડાસા હાઈસ્કૂલના પૂર્વ સંગીત શિક્ષક મનુભાઈ એમ.શાહનો ઋણ સ્વીકાર દિવસે શાનદાર સન્માન સમારોહ યોજાયો. આ સમારોહ એમના પૂર્વ સંગીતવિશારદ થયેલા શિષ્યો દ્વારા યોજાયો હતો. જેમાં મનુભાઈ શાહ એમનાં ધર્મપત્ની અરુણાબેન શાહ તેમનો સંપૂર્ણ પરિવાર,તેમના પૂર્વ શિષ્યો,મોડાસાના સંગીત પ્રેમીઓ, મોડાસાની અગ્રણી સંસ્થાઓના હોદ્દેદારો, શાળાના પૂર્વ શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમારોહનું સફળ,સુંદર સંચાલન મોડાસા હાઈસ્કૂલના પૂર્વ સુપરવાઇઝર કનુભાઈ આર ખાંટે કર્યું હતું.
મનુભાઈ શાહને મેમેન્ટો, શાલ બુકે તેમજ અરુણાબેનને સાડી અર્પણ કરી પૂર્વ શિષ્યો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. અન્ય મહેમાનોએ પણ એમને વિવિધ ભેટો અર્પણ કરી સન્માન આપ્યું હતું. સંગીતવિશારદ થયેલા પૂર્વશિષ્યો તેમજ પરિવારજનોએ સુંદર ગીતો તેમજ કીબોર્ડ પ્લેઇંગ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન પૂર્વ શિષ્ય પંકજભાઈ પંચાલ, બીજલબેન તથા અન્ય શિષ્યો દ્વારા થયું હતું. શિષ્યો દ્વારા,પૂર્વ શિક્ષકો દ્વારા પ્રસંગિક ઉદબોધનોથી મનુભાઈ શાહની સંગીતની સેવાઓને બિરદાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કનુભાઈ આર.ખાંટ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત કાર્યક્રમ સંગીત પાર્ટી જેવો બની રહ્યો હતો જે સૌએ આનંદથી માણ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ