પાટણ, 3 જૂન (હિ.સ.)પાટણ જિલ્લાના વામૈયા ગામે એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરતા એક શખ્સને ગાંજાના 46 છોડ સાથે ઝડપી પાડ્યો છે. આ વાવેતર સોમેશ્વર મંદિરની બાજુમાં આવેલા ખેતરમાં કરવામાં આવ્યું હતું. આરોપી ઠાકોર ગમાજી ઉર્ફે જેકાજી શંકુજીએ પોતાના ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કર્યું હતું.
પોલીસને મળેલી બાતમીના આધારે સ્થળ પર દરોડો પાડવામાં આવ્યો હતો અને એક ફૂટથી નવ ફૂટ ઊંચાઈના ગાંજાના છોડ મળી આવ્યા હતા. કુલ 34.200 કિલોગ્રામ ગાંજાનું જથ્થું જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત અંદાજે 3,42,000 રૂપિયા થાય છે. આરોપી વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(b), 8(c), 20(b)(ii)(c) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ગુજરાત સરકાર અને CID ક્રાઇમના સૂચન અનુસાર રાજ્યને નશામુક્ત બનાવવા 21 મે થી 19 જૂન 2025 દરમિયાન ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી એ અભિયાનનો એક ભાગ છે. ઝડપાયેલા આરોપી તથા જપ્ત કરાયેલો મુદ્દામાલ સરસ્વતી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે અને કેસની વધુ તપાસ ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર