પાટણ, 3 જૂન (હિ.સ.)પાટણ જિલ્લામાં 22 જૂને યોજાનારી 380 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તંત્ર સજ્જ બન્યું છે. ઉમેદવારી પત્રકો ભરવાના પહેલા દિવસે કોઈ ફોર્મ દાખલ થયું નથી, છતાં સરપંચ પદ માટે ગામડાઓમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. તાલુકા પંચાયતો અને મામલતદાર કચેરીઓમાં ઉમેદવારી સ્વીકારવાની વ્યવસ્થા ગોઠવાઈ છે. જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ 9 જૂન સુધી ઉમેદવારી નોંધાવવાની સમયમર્યાદા રહેશે. ફોર્મની ચકાસણી 10 જૂને થશે અને ઉમેદવારો ફોર્મ 11 જૂન સુધી પરત ખેંચી શકશે.
આ વખતે ઉમેદવારોને સોગંદનામા બદલે માત્ર એકરારનામું રજૂ કરવાનું રહેશે. ઉમેદવારે ઘરમાં શૌચાલય હોવાનો અને પંચાયત તરફ કોઈ બાકી ન હોવાનો તલાટીનો દાખલો આપવો પડશે. અનામત વર્ગના ઉમેદવારોએ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર આપવું ફરજિયાત છે. ઉપરાંત, બાળકોના જન્મના દાખલા, શૈક્ષણિક પ્રમાણપત્રો, ઓળખપત્રોની નકલ અને ફોટા જોડવા જરૂરી રહેશે.
સરપંચ પદ માટે સામાન્ય કેટેગરીના ઉમેદવારે રૂ.2,000 અને અનામત વર્ગના ઉમેદવારે રૂ.1,000 ડિપોઝિટ ભરવી પડશે. સભ્યપદ માટે સામાન્ય ઉમેદવાર માટે રૂ.1,000 અને અનામત વર્ગ માટે રૂ.500 ડિપોઝિટ નક્કી કરવામાં આવ્યો છે. ચૂંટણી ખર્ચની મર્યાદા વોર્ડની સંખ્યા મુજબ નક્કી કરાઈ છે: 12 વોર્ડ સુધી રૂ.10,000, 13થી 22 વોર્ડ માટે રૂ.20,000 અને 23થી વધુ વોર્ડ માટે રૂ.30,000 સુધીની મર્યાદા રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર