વલસાડ, 3 જૂન (હિ.સ.)-વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની CHCમાં આવેલી મહિલા દર્દી કાંતાબેન વિષ્ણુભાઈને પ્રેગનેન્સીનો દુખાવો ઉપડ્યો હતો જેઓ હાઈરિસ્ક કેટેગરીમાં હોવાથી ડો.હિનલબેને 108ને કૉલ કર્યો હતો, કૉલ મળતાની સાથે જ ચાવશાળા 108ના ઈએમટી રવીન્દ્ર વણકર અને પાયલોટ હીરાભાઈ મૌવલે સીએચસી કપરાડા ખાતે પહોંચી જઈ મહિલાને એમ્બ્યુલન્સમાં વલસાડ સિવિલ હોસ્પિટલમાં લાવવા રવાના થયા હતા. દર્દીને ત્યાંથી વલસાડ લાવતી વેળા અડધા રસ્તે પ્રેગ્નન્સીનો અસહ્ય દુઃખાવો ઉપડયો હોવાથી ત્યાં જ 108ના ઈએમટી રવિન્દ્ર વણકર અને તેમની ટીમને એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી. માતાનું વજન ઓછુ હોવાથી ડીલિવરીમાં થોડી તકલીફ પડી હતી પરતું સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી. ડિલિવરી થયા પછી તરત જ ઈએમટી રવીન્દ્ર વણકરે 108ની હેડ ઓફિસમાં ડોક્ટર પરમાર સાથે કોન્ફરન્સ કરી તેમના માર્ગદર્શન હેઠળ દર્દીને જરૂરી ઇન્જેક્શન ઓક્સીટોસિન અને અન્ય સારવાર આપી માતા અને બાળકને સહી સલામત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરિવારજનોએ રાજ્ય સરકારની 108 સેવાનો આભાર માન્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે