પાટણ, 9 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના કુવારદ ગામમાં એસઓજી પોલીસે એક નકલી ડોક્ટર બિપિનકુમાર પ્રતાપજી દેત્રોજાને ઝડપ્યો છે. આરોપી કોઈપણ મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વિના હનુમાન મંદિરની સામે દવાખાનું ચલાવતો હતો અને દર્દીઓને દવા તેમજ ઇન્જેક્શન આપી રહેલો હતો.
આ કાર્યવાહી પોલીસ અધીક્ષક વી.કે. નાયીની સૂચના હેઠળ અને એસઓજી પીઆઈ જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે તેને પકડી પાડ્યો હતો. આરોપી મૂળ અમદાવાદ જિલ્લાના માંડલ ગામનો રહેવાસી છે અને હાલમાં કુવારદમાં રહે છે.
પોલીસે તેની પાસેથી ઇન્જેક્શનો, દવાઓ અને મેડિકલ સાધનો મળી કુલ ₹1449 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેના વિરુદ્ધ શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં BNS-2023ની કલમ 319 અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શંખેશ્વર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર