પાટણ, 9 જૂન (હિ.સ.) : ઉનાળુ વેકેશન બાદ પાટણ જિલ્લાના તમામ પ્રાથમિક શાળાઓમાં આજેથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. જોકે, પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની હાજરી નોંધપાત્ર રીતે ઓછું જોવા મળી હતી. જોકે, વેકેશન બાદ શાળામાં આવેલા કેટલાક વિદ્યાર્થીઓ તેમના મિત્રો સાથે મિલન કરી આનંદિત થયા હતા અને વેકેશનની યાદગાર ઘટનાઓ શેઅર કરતા જોવા મળ્યા હતા.
ખાનગી નર્સરી અને બાલવાડી (કેજી)માં તો લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા. પહેલીવાર શાળામાં આવેલા નાનકડાં ભૂલકાં વર્ગખંડમાં જવા માટે ઘબરાતા હતા, તો કેટલાક તો બેસવા માટે પણ તૈયાર ન હતા. વાલીઓએ કલાકો સુધી બાળકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. કેટલીક જગ્યાએ બાળકો માયુસ ચહેરે બેઠા હતા, તો બીજી તરફ કેટલાક ખુશીથી નવા મિત્રો બનાવતા અને શાળા અનુભવોમાં તલ્લીન થતા જોવા મળ્યા હતા.
જિલ્લાની શાળાઓએ બાળકોના હર્ષભર્યા સ્વાગત માટે પણ અનેક આયોજન કર્યા હતા.
એમ.એન. પ્રાથમિક શાળામાં ઇન્ચાર્જ આચાર્ય વસંત પટેલે જણાવ્યું હતું કે કુમકુમ તિલક અને ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકો માટે ટોપી પહેરાવાઈ, રેવડીનો પ્રસાદ આપી મોં મીઠું કરાયું અને સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવ્યો છે જ્યાં વાલીઓ બાળકો સાથે યાદગાર તસવીરો લઈ શકે છે. સરસ્વતી શિશુમંદિરમાં તો જંગલ થીમ સાથે યજ્ઞમાં આહુતિ આપી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. પ્રાર્થના બાદ વિદ્યાર્થીઓને શાળાની જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર