પાટણ, 10 જુલાઈ (હિ.સ.)પાટણ જૈન મંડળ સંચાલિત બી.ડી. સાર્વજનિક વિદ્યાલયમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 81 વર્ષના ઇતિહાસ ધરાવતી આ શાળામાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ગાયત્રી યજ્ઞથી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ યજ્ઞમાં આહુતિ આપીને પરંપરાનું જતન કર્યું હતું. વિદ્યાર્થીઓ માટે શાળાના શિક્ષકોએ ભોજન પ્રસાદ પણ વિતરણ કર્યો હતો.
શાળામાં વક્તૃત્વ સ્પર્ધા, સંગીત કાર્યક્રમ અને નાટક યોજવામાં આવ્યા હતા, જેના માધ્યમથી ગુરુપૂર્ણિમાના મહત્વની સમજ આપવામાં આવી હતી. શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની સફળતા માટે સમગ્ર શાળાના સ્ટાફે કાર્ય કર્યું હતું.
શાળાના આચાર્ય ડૉ. બળદેવભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ગુરુપૂર્ણિમા વિદ્યા અને સંસ્કારના મહત્વપૂર્ણ તહેવાર તરીકે ઓળખાય છે. તેઓએ જણાવ્યું કે, આ તહેવાર મહર્ષિ વેદ વ્યાસની સ્મૃતિમાં મનાવવામાં આવે છે, જેમણે ચાર વેદોનું સંપાદન તથા મહાભારત અને શ્રીમદ ભાગવત જેવી મહાન કૃતિઓની રચના કરી હતી. ગુરુપૂર્ણિમા ગુરુ-શિષ્ય પરંપરાનું પ્રતીક છે અને ગુરુની માનસિક રીતે પણ પૂજા શક્ય છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર