પાટણ, 10 જુલાઈ (હિ.સ.) : શંખેશ્વર તીર્થના રાજેન્દ્રસૂરિ નવકાર મંદિરમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પાવન અવસરે ચાતુર્માસ માટે બિરાજમાન મુનિરાજ ચારિત્રરત્ન વિજયજી મહારાજે ભક્તોને ગુરુત્વનું મહત્વ સમજાવ્યું. પાટણ જિલ્લાના ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ સહિત મોટી સંખ્યામાં ભક્તોએ મુનિરાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા.
મુનિરાજે જણાવ્યું કે ગુરુ એ છે જે સદ્ગુણોનું સર્જન કરે છે, શિષ્યોને સુવિચારોનું પાલન કરાવે છે અને દુર્ગુણોનું વિસર્જન કરે છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન અનન્ય છે. ગુરુ શિષ્યને ખોટા માર્ગેથી અટકાવી સાચા માર્ગે દોરે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ભારત દેશમાં ગુરુની ભૂમિકા માત્ર ધાર્મિક કે આધ્યાત્મિક ક્ષેત્ર સુધી સીમિત નથી. દેશમાં જ્યારે રાજકીય સંકટ ઊભું થાય છે ત્યારે પણ ગુરુઓ યોગ્ય માર્ગદર્શન આપતા રહ્યા છે. ગુરુ અજ્ઞાનતાનું અંત લાવે છે અને મોક્ષમાર્ગ તરફ દોરી જાય છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર