કોલકતા, નવી દિલ્હી, 11 જુલાઈ (હિ.સ.). પશ્ચિમ બંગાળના સ્થળાંતરિત કામદારોને દિલ્હીથી કથિત રીતે બાંગ્લાદેશ મોકલવામાં આવી રહ્યા હોવાના ગંભીર આરોપો પર, કોલકત્તા હાઇકોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી વિગતવાર રિપોર્ટ મંગાવ્યો છે. કેસની સુનાવણી દરમિયાન, કોર્ટે રાજ્યના મુખ્ય સચિવ મનોજ પંતને દિલ્હીના મુખ્ય સચિવનો સંપર્ક કરવા અને સમગ્ર પરિસ્થિતિનો અહેવાલ રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. આગામી સુનાવણી આવતા બુધવારે થશે.
આ મામલો હાઇકોર્ટમાં ત્યારે સામે આવ્યો જ્યારે અરજદારના વકીલે જણાવ્યું કે, બંગાળના ઘણા કામદારોને બાંગ્લાદેશી હોવાની શંકામાં દિલ્હીમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને પછી કથિત રીતે દેશની બહાર મોકલી દેવામાં આવ્યા હતા. વકીલે દાવો કર્યો હતો કે, આ કામદારોમાં એક આઠ વર્ષનો બાળક પણ શામેલ છે, જેને તેના માતાપિતા સાથે અટકાયતમાં લેવામાં આવ્યો હતો. આના પર, કોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને તાત્કાલિક રિપોર્ટ દાખલ કરવા કહ્યું.
શુક્રવારે ન્યાયાધીશ તપોબ્રત ચક્રવર્તી અને ન્યાયાધીશ ઋતબ્રત કુમાર મિત્રની ડિવિઝન બેન્ચમાં આ કેસની સુનાવણી થઈ. કોર્ટે આ કેસની સરખામણી ઓડિશામાં કામદારોની અટકાયતના અગાઉના કેસ સાથે કરી અને પૂછ્યું કે, શું બંને વચ્ચે કોઈ મૂળભૂત તફાવત છે. ઓડિશા કેસમાં, કોઈને પણ દેશની બહાર મોકલવામાં આવ્યો ન હતા, જ્યારે દિલ્હી કેસમાં, એક પરિવારને બાંગ્લાદેશ મોકલવામાં આવ્યો હોવાનો આરોપ છે.
આ કેસમાં, કેન્દ્ર સરકાર વતી એડવોકેટ ધીરજ ત્રિવેદી કોર્ટમાં હાજર રહ્યા હતા. અરજદાર પરિવાર વતી એડવોકેટ રઘુનાથ ચક્રવર્તી હાજર રહ્યા હતા અને રાજ્ય સરકાર વતી વિશ્વવ્રત બાસુમલ્લિક હાજર રહ્યા હતા.
આ કેસ બીરભૂમના પૈકર વિસ્તારના છ કામદારો સાથે સંબંધિત છે, જેમને 18 જૂને દિલ્હીના રોહિણી જિલ્લાના કે.એન. કાત્જુ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા. અટકાયતમાં લીધા પછી તરત જ, કામદારોએ પરિવારનો સંપર્ક કર્યો અને જણાવ્યું કે, તેમને બાંગ્લાદેશી હોવાની શંકામાં પકડવામાં આવ્યા છે. જ્યારે પરિવારના સભ્યો દિલ્હી પહોંચ્યા, ત્યારે પોલીસ સ્ટેશને જાણ કરી કે કામદારોને બીએસએફ ને સોંપવામાં આવ્યા છે અને તેમને પુશ-બેક હેઠળ બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા છે.
પરિવારનો આરોપ છે કે, પોલીસ તેમને કેવી રીતે અને કયા રસ્તે બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા તે અંગે માહિતી આપવા તૈયાર નથી. પરિવારે રાજ્યના શ્રમ વિભાગનો સંપર્ક કર્યો અને રાજ્યસભાના સાંસદ અને શ્રમ કલ્યાણ બોર્ડના અધ્યક્ષ સામીરુલ ઇસ્લામના ધ્યાન પર પણ આ મુદ્દો લાવ્યો. સામીરુલ ઇસ્લામે આ સમગ્ર મામલે કહ્યું કે, આ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ કોઈ મોટા ષડયંત્રનો ભાગ હોઈ શકે છે. તેમણે કહ્યું કે, અમે કોર્ટ દ્વારા ન્યાય માટે લડીશું. જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો મૌન રહેશે, ત્યારે આપણે શેરીઓથી કોર્ટ સુધી કામદારોની લડાઈ લડવી પડશે.
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / સંતોષ મધુપ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ