બેંગલુરુ, નવી દિલ્હી, 12 જુલાઈ (હિ.સ.). બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક થયેલી ભાગદોડ પર રચાયેલા તપાસ પંચનો રિપોર્ટ, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને સુપરત કરવામાં આવ્યો છે. ન્યાયાધીશ (નિવૃત્ત) માઈકલ ડી. કુન્હાના એક સભ્યના તપાસ પંચના અહેવાલમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી), કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (કેએસસીએ) અને બેંગલુરુ પોલીસ અધિકારીઓને આ ઘટના માટે સીધા જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. રિપોર્ટમાં આવી દુર્ઘટનાઓ ફરીથી ન થાય તે માટે ઘણી ભલામણો પણ કરવામાં આવી છે.
જસ્ટિસ માઈકલ કુન્હાના તપાસ અહેવાલમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ફ્રેન્ચાઇઝ, ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની- ડીએનએ એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન અને શહેરના અનેક પોલીસ અધિકારીઓને ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક થયેલી ભાગદોડ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આટલા ઓછા સમયમાં આ કાર્યક્રમનું આયોજન કરવું અશક્ય છે તે જાણતા હોવા છતાં, આ ઘટનાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દુર્ઘટના દરેકની ફરજોમાં બેદરકારી અને નિષ્ક્રિયતાને કારણે બની હતી. વિજય ઉજવણી માટે સુરક્ષા વ્યવસ્થા યોગ્ય નહોતી. પોલીસનો વ્યાપક બંદોબસ્ત નહોતો. પોલીસ, આરસીબી અને કેએસસીએના અધિકારીઓ લાખોની સંખ્યામાં ચાહકોના આગમનનો અંદાજ લગાવવામાં નિષ્ફળ ગયા.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આરસીબી દ્વારા મફત પાસ આપવાની જાહેરાતને કારણે મોટી સંખ્યામાં ચાહકો ત્યાં પહોંચ્યા. આ ઉપરાંત, આરસીબી, કેએસસીએ અને પોલીસ વચ્ચે કોઈ સંકલન નહોતું, જે આ ઘટનાનું મુખ્ય કારણ બન્યું. ભીડને નિયંત્રિત કરવા માટે કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી ન હતી.
દરમિયાન
રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તપાસ પંચના અહેવાલ પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, તેને 17 જુલાઈએ યોજાનારી કેબિનેટ બેઠકમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ આરે પર કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, 4 જૂને આરસીબી ટીમના વિજય ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડમાં 11 ચાહકોના મોત થયા હતા, જ્યારે 50 થી વધુ ઘાયલ થયા હતા. આ ઘટનાની તપાસ માટે, રાજ્ય સરકારે 5 જૂનના રોજ નિવૃત્ત ન્યાયાધીશ માઈકલ ડી. કુન્હાના નેતૃત્વમાં એક સભ્યનું તપાસ પંચ રચ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / રાકેશ મહાદેવપ્પા / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ