પાટણ, 11 જુલાઈ (હિ.સ.) : નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત શેઠ એમ.એન. લૉ કોલેજને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BCI) તરફથી સત્તાવાર મંજૂરી પ્રાપ્ત થઈ છે. બે વર્ષથી ચાલુ ગ્રાન્ટ-ઇન-એઇડ માળખા હેઠળની મંજૂરી પ્રક્રિયા હવે પૂર્ણ થઈ છે. કોલેજને બે ડિવિઝનમાં 60-60 વિદ્યાર્થીઓની ક્ષમતા મંજૂર કરવામાં આવી છે, જે વ્યવસ્થા શૈક્ષણિક વર્ષ 2025-26થી અમલમાં આવશે.
CDO પ્રો. જય ધ્રુવ મુજબ, આ મંજૂરીના કારણે ઉત્તર ગુજરાતમાં આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાસભર કાનૂની શિક્ષણના નવા દરવાજા ખુલશે. કોલેજ માટે શૈક્ષણિક વર્ષ 2024-25 તથા 2025-26 બંને માટે મંજૂરી મળી છે. શૈક્ષણિક સત્ર 2025-26 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં વિદ્યાર્થીઓને સેમેસ્ટર 1 અને 3માં પ્રવેશ મળી શકશે. સેમેસ્ટર 1માં પ્રવેશ જીકાસ મારફતે આપવામાં આવશે.
આ મંજૂરીના પગલે, પહેલેથી કોલેજમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ માટે પણ સનદ મેળવવાનો માર્ગ મોકળો બન્યો છે. સંસ્થા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે વધુ સુવિધાઓ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર