ભુજ-કચ્છ, 12 જુલાઈ (હિ.સ.) એક તરફ એર ઇન્ડિયા અમદાવાદની પ્લેન ક્રેશની ઘટના અંગે અહેવાલો સામે આવી રહ્યા છે તો બીજી બાજુ ભુજથી મુંબઇને જોડતી એર ઇન્ડિયાની સવારની ફ્લાઇટમાં બબાલ થઇ હોવાનું જાણવા મળે છે. જોકે, એર ઇન્ડિયાના ભુજના સ્થાનિક પ્રશાસને 8 મુસાફરને અમદાવાદ પહોંચાડવાની વ્યવસ્થા કરી છે.
મુસાફરોને બોર્ડિંગ પાસ ઇશ્યુ ન કરાયા
ભુજથી સવારે 8.55 વાગ્યે મુંબઇ જવા રવાના થતી એર ઇન્ડિયાની Air India AI 602 ફલાઇટમાં બેસવા મામલે 8થી10 પેસેન્જર રહી ગયા હોવાની ફરિયાદ ઉભી થઇ હતી અને વિમાન તેના નિયત સમયે ઉડી ગયું હતું. ઉભી થયેલી ફરિયાદ મુજબ કેટલાક પેસેન્જર પહોંચી ગયા હોવા છતાં તેમને બોર્ડિંગ પાસ ઇશ્યુ ન કરાતાં પ્લેનમાં પહોંચી શક્યા ન હતા. આના કારણે ભુજ હવાઇ મથક ઉપર હોબાળો મચ્યો હતો.
અડધા કલાક પહેલાં કાઉન્ટર બંધ કરાયું
જોકે, આ મામલે ભુજમાં એર ઇન્ડિયાના સ્થાનિક મેનેજર એસ.બી.સિંઘ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, 8.55નો સમય હતો અને મુસાફરો અડધા કલાક પહેલાં પહોંચ્યા હતા. ઓછામાં ઓછા એક કલાક પહેલા પહોંચવાનું હોય છે અન્યથા કાઉન્ટર બંધ થઇ જતું હોય છે. તેઓ મોડા પહોંચતા તેમને મુંબઇના વિમાનમાં બેસવા દેવાયા ન હતા.
8 મુસાફરને અમદાવાદ મોકલવાની કારમાં વ્યવસ્થા કરાઇ
સિંઘે વધુમાં ઉમેર્યું હતું કે, 8 મુસાફરની એર ઇન્ડિયાના ખર્ચે કારમાં અમદાવાદ મોકલવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. આ ઉપરાંત મુંબઇ માટેની તેમની ટિકીટ પણ રીશિડ્યુઅલ કરી દેવાઇ છે. ભુજના વિમાની મથકે પહોંચતા મુસાફરો એક કલાક વહેલા આવીને તેમનો બોર્ડિંગ પાસ મેળવી લે એ અનિવાર્ય છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA