પોરબંદર, 15 જુલાઈ (હિ.સ.) : પોરબંદર શહેરમાં તાજેતરમાં પડેલ વરસાદના કારણે રસ્તાઓ ક્ષતિ ગ્રસ્ત બન્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્રારા ચોમાસા દરમિયાન બિસ્માર માર્ગો જાહેર જનતાને પડતી મુશ્કેલી નિવારવા માટે સબંધિત વિભાગને સુચના આપતા પોરબંદર મહાનગર પાલિકાના કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શનમાં બિસ્માર રસ્તાઓના સમારકામની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. સોમવારના દિવસે શહેરમાં આવેલ નરસંગ ટેકરી પાસે રાજીવનગર વિસ્તારમાં થઇ રહેલ રસ્તાના કામનું સ્થળ નિરીક્ષણ મહાનગર પાલિકાના કમિશનર એચ. જે. પ્રજાપતિએ કર્યું હતું. અને તેઓએ એવું જણાવ્યું હતું, કે 45 કરોડ રુપિયાના ખર્ચે ગટર લાઇન નાખવાનું કામ કાર્યરત છે. 48 કિલોમીટરનું કામ કરવાનું હોય, જેમાંથી 40 કિલો મીટરમાં ગટર લાઇન નાખવાનું કામ પુર્ણ થયું છે. ચોમાસુ શરુ થયા પહેલા ગટર લાઇન નાખવાના કામ દરમિયાન ખોદકામથી જે રસ્તા અલેવલ થયા હતા, તે લેવલ કરવાની કામગીરી કરવામાં આવી હતી પરંતુ વરસાદ પડયો હોવાના કારણે કેટલાક રસ્તા ઉપર કાદવ કિચડ થયું હતું. ખાપટ અને રાજીવનગરના નાગરીકો દ્રારા થયેલ રજુઆતના અનુસંધાને સમગ્ર વિસ્તારમાં રસ્તા સમથળ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
કોંક્રીટ અને મોહરમ પાથરી રસ્તાનું કામ થઇ રહ્યું છે. જેમાં 7 હજાર મેટ્રીક ટન કોંક્રીટ અને 4 હજાર મેટ્રીક ટન મોહરમ નાખી રસ્તા રીપેરીંગ કરવામાં આવી રહ્યા છે. 20 ટ્રેકટર, 5 જેસીબી, 6 ડમ્પર અને આઉટસોર્સ માણસોની મદદથી રસ્તા રીપેર કરવાનું કામ તેજ ગતિએ થઇ રહ્યું છે. અને રસ્તા અંગેની લોકોની ફરીયાદોનો નિકાલ કરાઇ રહ્યો છે. આમ પોરબંદર શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીના કારણે ડેમેજ થયેલ રસ્તાઓ સમથળ કરવાનું કામ પુરજોશમાં હાથ ધરાતા રાજીવનગરમાં વસવાટ કરતા સ્થાનિકોએ મહાનગર પાલિકાના તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya