ગીર સોમનાથ, 17 જુલાઈ (હિ.સ.) આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં “વિશ્વ વસ્તી દિવસ-૨૦૨૫” ઉજવણી અંતર્ગત જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે કુટુંબ નિયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
માતા અને બાળકની સુખાકારી માટે ગર્ભાવસ્થાના સ્વાસ્થ્ય સમયની થીમ “માં બનવાની ઉમર એ જ, જયારે શરીર અને મન તૈયાર હોય” અંતર્ગત લઘુ શિબિર, સાસુ વહુ મીટીંગ, સ્વસહાય જૂથો, આંગણવાડી વિભાગ, પંચાયતી રાજ સંસ્થાઓની મીટીંગ યોજાઈ હતી.
જેમાં કુટુંબ નિયોજન કાયમી અને બિન કાયમી પદ્ધતિઓ, સગર્ભાની યોગ્ય દેખભાળ વ્યવસ્થા, બે બાળક વચ્ચે અંતરના ફાયદાઓ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.એન.બરુઆ અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.ટી.કણસાગરા તેમજ તાલુકા હેલ્થ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્થળે મહિલાઓ અને બાળકોની સ્વાસ્થ્ય સુખાકારી માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ