પોરબંદર, 2 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના દરિયામાં ગેરકાયદે માછીમારી કરતા ઈસમો વિરુદ્ધ કડક હાથે પોલીસે કામગીરી શરુ કરી છે. બે દિવસમાં 10 ઈસમો વિરુદ્ધ મત્સયોદ્યોગ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી કાયદાકીય કાર્યવાહી શરુ કરવામાં આવી છે.અરબી સમુદ્રમાં માછીમારીની બંધ સીઝનમાં અને હાલ તોફાની દરિયાઈ વાતાવરણમાં કોઈ પણ જાતની મંજૂરી કે ટોકન વગર માછલીઓની લાલચમાં કેટલાક ખલાસીઓ પીલાણા સાથે દરિયામાં નીકળ્યા છે. ત્યારે પોરબંદર હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં આવા ખલાસીઓ વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બે દિવસ પૂર્વે દરિયામાં ગેરકાયદે માછીમારી કરવા ગયેલા 5 ખલાસીઓ સહીત પીલાણા માલીક અને હેન્ડલર સહીત કુલ 7 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો ત્યારે આજે 3 ખલાસીઓ વિરુદ્ધ હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે જેમાં ‘નર્મદા સાગર' નામના પીલાણામાં કોઈ પણ જાતની મંજૂરી વગર માછીમારી કરતા ત્રણ ખલાસીઓ વિરુદ્ધ મત્સયોદ્યોગ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya