વલસાડ, 4 જુલાઈ (હિ.સ.)-દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતીની જ્યોત ઝળહળી રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યના ગામે ગામ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વિસ્તરી રહ્યો છે. પરોપરકારી ગણાતી પ્રાકૃતિક ખેતી અંગે લોકો વધુમાં વધુ જાણકાર બને તે માટે વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટ કચેરી દ્વારા નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. જિલ્લામાં આવેલી તમામ ગ્રામ પંચાયતો અને દૂધની ડેરી ઉપર ‘‘પ્રાકૃતિક ખેતી એટલે પોષણક્ષમ ખેતી’’ના બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે. જેનાથી દરેક ગામનો નાનામાં નાનો ખેડૂત પણ પ્રાકૃતિક ખેતીથી માહિતગાર બનશે અને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળે એ દિશામાં પ્રસંશનીય પ્રયાસ થઈ રહ્યા છે.
ગુજરાત રાજ્ય સરકારના નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આત્મા કૃષિ અને ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ ચારે દિશામાં કરાય રહ્યો છે. જે સંદર્ભે વલસાડ જિલ્લા આત્મા કચેરી દ્વારા કરવામાં આવેલી પહેલ અંગે આત્માના પ્રોજેક્ટ ડાયરેકટર ડી.એન.પટેલ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતી એટલે ઓછા ખર્ચે ટકાઉ ખેતી. દરેક ગામનો દરેક ખેડૂત ઝેરયુક્ત રાસાયણિક ખેતી છોડી ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે ખેડૂતોને જરૂરીમાં નાનામાં નાની માહિતી મળી રહે તેવા પ્રયાસ અમારી કચેરી દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત પ્રાકૃતિક ખેતી એટલે પોષણક્ષમ ખેતીના બેનર તૈયાર કરવામાં આવ્યા છે.
જેમાં પ્રાકૃતિક ખેતીના પાંચ આયામ (૧) બીજામૃત, (૨) જીવામૃત/ઘનજીવામૃત, (૩) વાફસા (૪) આચ્છાદન અને (૫) મિશ્ર ખેતી/ સહજીવનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે ગામમાં આ બેનર લગાવવામાં આવ્યા છે તે ગામનું નામ અને આત્મા કચેરી દ્વારા તાલીમ પામનાર કોમ્યુનિટી રીસોર્સ પર્સન, કૃષિ સખી અને સહાયકનું નામ અને મોબાઈલ નંબર લખવામાં આવે છે. આ સિવાય નજીકના પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મની વિગત પણ લખવામાં આવે છે. જેથી ગામમાં કોઈ ખેડૂત રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી કરવા માંગે તો તે કોમ્યુનિટી રીસોર્સ પર્સન, કૃષિ સખી અને સહાયકનો સંપર્ક કરી વધુ વિગત મેળવી પોતાને મૂઝવંતા પ્રશ્નોના જવાબની સાથે ઉપયોગી માર્ગદર્શન પણ મેળવી શકે છે. જો કોઈ ખેડૂતે પ્રાકૃતિક ખેતી પધ્ધતિની રૂબરૂ એટલે કે, ખેતરમાં જઈને માહિતી મેળવવી હોય તો તે માટે પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ અને જંગલ મોડલ ફાર્મના ખેડૂતોના પણ નામ, મો.નં. અને સરનામુ આપવામાં આવે છે જેથી ત્યાં પહોંચી વિસ્તૃત માહિતી મેળવી શકે છે. આ બેનરમાં કૃષિ પ્રગતિ એપનો ક્યુઆર કોડ અને પ્રાકૃતિક કૃષિ માહિતી માટેના ક્યુઆર કોડ પણ આપવામાં આવ્યા છે. જેથી મોબાઈલમાં એક જ સેકન્ડમાં પ્રાકૃતિક ખેતીને લગતી માહિતી મેળવી શકે છે.
વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી ડાયરેકટર વિમલ પટેલે આ નવી પહેલ અંગે જણાવ્યું કે, ગામડાના દરેક ખેડૂતને પ્રાકૃતિક ખેતી અંગેની માહિતી પોતાના જ ગામમાં ઉપલબ્ધ થાય તે માટે આ પ્રયાસ હાથ ધરાયો છે. ખેડૂતે બહાર ક્યાંય જવાની જરૂર રહેતી નથી. વલસાડ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની જન જાગૃતિ માટે ૧૨૮ કૃષિ સખી અને ૧૨૮ કોમ્યુનિટી રીસોર્સ પર્સનને જવાબદારી સોંપવામાં આવે છે. જેઓને દર મહિને રૂ. ૫૦૦૦નું માનદ વેતન પણ આપવામાં આવે છે. જિલ્લાની ૩૮૫ ગ્રામ પંચાયત અને ૬૦૦ દૂધ મંડળીમાં આ બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૪૦૦ બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ ૧૨૮ કલસ્ટર બનાવવામાં આવ્યા છે. જેમાં એક કલસ્ટરમાં ૩ ગામનો સમાવેશ કરાયો છે. આ સિવાય કુલ ૧૭૦ મોડલ ફાર્મ બનાવવામાં આવ્યા છે. જેઓની ખેડૂતો વિઝિટ લઈ શકે છે. એક કૃષિ સખીએ ૩ ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક જનજાગૃતિ ફેલાય તે માટે કામગીરી કરવાની રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે