વલસાડ, 4 જુલાઈ (હિ.સ.)-વલસાડ 181 અભયમ મહિલા હેલ્પ લાઈન દ્વારા નવસારીના બીલીમોરાની એક મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર પર લાવવામાં આવી હતી, તેમને આશ્રયની જરૂરીયાત હોવાથી હંગામી ધોરણે આશ્રય આપવામાં આવ્યો હતો. જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુ આપવામાં આવી હતી. તબીબી મદદની જરૂરીયાત હોવાથી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. અરજદાર મહિલાનું કાઉન્સેલીંગ કરતાં તેણે જણાવ્યું કે, બે મહિના પહેલા તેમના પતિ સાથે કોઈક વાતને લઈને ઝઘડો થતા તેમના પતિ દ્વારા ખુબ માર મારવામાં આવ્યો હતો, સાસરા પક્ષ દ્વારા પણ શારીરિક, માનસિક ત્રાસ આપવામાં આવે છે.
જેથી પિતા સાથે વાપી ખાતે પિયર રહેવા આવી ગઈ હતી. પિયરમાં આવ્યા બાદ સાસરા પક્ષે દીકરા સાથે વાત પણ કરવા દેતા ન હતા અને મળવા પણ દેતા ન હતા. પરિણીતાને સાસરે લઈ જવાની પણ ના પાડતા હતા તેથી તેમણે સખી વન સ્ટોપ સેન્ટરની મદદ લીધી હતી. સેન્ટર દ્વારા તેમના પતિ અને સાસુ- સસરાને બોલાવવામાં આવ્યાં હતા અને તેમનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યુ હતું. જેમાં તેઓ વચ્ચે થતા ઝઘડાનું સમાધાન કરાવવામાં આવ્યું હતું. સમાધાન થયા બાદ સાસરા પક્ષ તેમની વહુને રાજી ખુશીથી તેમની સાથે લઈ ગયો હતો. બંને પક્ષોએ હર્ષની લાગણી અનુભવી અને સેન્ટરનો આભાર વ્યકત કર્યો હતો. આમ, સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પરિવારને તુટતો બચાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી અંતર્ગત કાર્યરત ‘‘સખી’’ વન સ્ટોપ સેન્ટરમાં તબીબી સહાય, કાયદાકીય સહાય, પોલીસ સહાય, કાઉન્સેલીંગ તેમજ હંગામી ધોરણે આશ્રય, પ્રી-મેરેજ અને પોસ્ટ મેરેજ કાઉન્સેલીંગ જેવી વિવિધ પ્રકારની સેવાઓ પુરી પાડવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે