પાટણ, 2 જુલાઈ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)માં સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયા જીકાસ પોર્ટલ મારફતે ચાલી રહી છે. અત્યાર સુધીમાં સ્નાતક કક્ષાએ 34,699 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે અને 11 જુલાઈ સુધી પ્રવેશ લઈ શકાશે. અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે 1 જુલાઈએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી અને હજારો વિદ્યાર્થીઓએ અરજીઓ કરી છે.
તેમ છતાં, યુનિવર્સિટીને ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા અંગે અનેક ફરિયાદો મળી છે. ઉંચા મેરિટવાળા કેટલાક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેતાં વિવાદ ઊભો થયો છે અને આ પ્રક્રિયામાં પારદર્શિતાની અછત જણાઈ છે.
કુલપતિ ડો. કે.સી. પોરીયાએ માહિતી આપી કે, પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓ માટે જીકાસ પોર્ટલ ત્રણ દિવસ માટે ફરીથી ખોલવા શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જૂનથી શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્રમાં મેરિટના આધારે પ્રવેશ આપવાની પ્રક્રિયા ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર