ગીર સોમનાથ 27 જુલાઈ (હિ.સ.) શ્રાવણ શુક્લ તૃતીયાના પાવન અવસરે આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને અર્પિત કરવામાં આવ્યો વિશેષ અર્કપુષ્પ શૃંગાર
અર્કનો પુષ્પ... જેને આપણે મંદાર કે અર્કપત્ર તરીકે પણ ઓળખીએ છીએ... વૈદિક યુગથી જ શિવ આરાધનાનો અત્યંત મહત્વનો ભાગ રહ્યો છે.
શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ પુષ્પ શિવજીને અત્યંત પ્રિય છે, કારણકે તે તપ, ત્યાગ અને સમર્પણનું પ્રતીક છે.
અર્કપુષ્પમાં તેજ, ઔજસ અને ઔષધીય ગુણધર્મો ઉપરાંત એક અલૌકિક આધ્યાત્મિક ઊર્જા પણ સમાયેલી છે.
આ કારણે જ્યારે આ દિવ્ય પુષ્પથી શૃંગાર થાય છે, ત્યારે તે માત્ર બાહ્ય શણગાર નહીં, પરંતુ બ્રહ્મસંયોગનું જીવંત માધ્યમ બની જાય છે.
શ્રી સોમનાથ મહાદેવને અર્પણ થયેલા સેંકડો અર્કપુષ્પો... જાણે ભક્તોની પ્રાર્થનાઓમાંથી ખીલી ઉઠ્યા હોય.
દરેક પુષ્પ એ એક ભાવના છે,
એક આહ્વાન છે,
એક સમર્પણ છે – જે સીધું આપણાં આરાધ્ય સુધી પહોંચે છે.
શિવજીને અર્કપુષ્પ અર્પિત કરવું – શારીરિક, માનસિક અને આત્મિક શુદ્ધિ માટે વિશેષ સાધન માનવામાં આવે છે.
આ પુષ્પ રાહુ-કેતુ તથા શનિ જેવા ગ્રહોના પ્રભાવો સામે ભક્તને રક્ષણ આપે છે.
સોમનાથમાં આજે, જ્યાં મહાસાગરની લહેરો શિવનામનો ગાન કરી રહી છે... ત્યાં અર્કપુષ્પના આ વિશેષ શૃંગારમાં મહાદેવનું સ્વરૂપ ભક્તજનોને દિવ્ય અનુભૂતિ કરાવી રહ્યું છે.
આ માત્ર શૃંગાર નથી... આ તો સાધના છે.
આ માત્ર દર્શન નથી... આ તો આત્માનું આંતરિક સ્પર્શ છે.
આવો, આ શ્રાવણ માસમાં આપણે પણ આપણા અંતર્મનમાંથી અહંકાર, ક્રોધ અને મોહના બંધનોનો ત્યાગ કરીએ...
અને ભક્તિ, સેવા અને સમર્પણથી શિવપથ પર આગળ વધીએ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ