સુરત, 27 જુલાઈ (હિ.સ.) : સમસ્ત ઝારખંડ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ગોડાદરા, નિલગિરી રોડ પર સ્થિત શ્રી બાબા વૈદ્યનાથ મહાદેવ મંદિરથી ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સતત પાંચ વર્ષોથી યોજાતી આ કાવડ યાત્રા આજે સુરત શહેરની સૌથી મોટી કાવડ યાત્રા તરીકે ઓળખ મળે છે.
આ યાત્રામાં 5 હજારથી વધુ કાવડ યાત્રાળુઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ખાસ વાત એ રહી કે 1 હજારથી વધુ મહિલાઓએ પણ ભારે સંખ્યામાં હાજરી આપી, કાવડ યાત્રામાં ભાગ લઈને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.
લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેન પાટિલે યાત્રાનું શુભારંભ ફૂલવર્ષા કરી અને કાવડ આપીને કરાવ્યો હતો. સમગ્ર યાત્રા દરમિયાન “બોલ બમ”ના ઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને ભક્તિભાવ છલકાતો રહ્યો.
કાર્યક્રમનું સંચાલન યજૂવેન્દ્ર દુબે (પૂર્વ પાર્ષદ) દ્વારા કરાયું હતું. સાથે ડેપ્યુટી મેયર ડૉ. નરેન્દ્ર પાટિલ, ચેરમેન નાગરભાઈ પટેલ તથા ઝારખંડ સમાજના અનેક વરિષ્ઠ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં.
ટ્રસ્ટના વાસુદેવ મહતો, મહાદેવ વર્મા, ફૂલદેવ વર્મા, શંકર વર્મા, સંતોષકુમાર વર્મા, અશોક વર્મા સહિત અનેક ટ્રસ્ટીઓ સેવા આપી રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ યુવેન્દ્ર દુબે
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ