પાટણ, 27 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના એક ગામની 21 વર્ષીય યુવતી એક-બે મહિના સુધી ગુમ રહી બાદમાં મળી આવી છે. યુવતીએ ડીસાના ગામના પ્રહલાદજી નામના વ્યક્તિ સામે દુષ્કર્મ અને અપહરણનો આરોપ લગાવ્યો છે. યુવતીના પિતાની ફરિયાદ આધારે સરસ્વતી પોલીસ સ્ટેશને ગુમશુદાની અરજી દાખલ કરી હતી અને પછી યુવતીના નિવેદન આધારે BNS કલમ 64(2)(એમ), 87 અને 351(3) મુજબ ગુનો નોંધ્યો છે.
યુવતીએ જણાવ્યું કે પ્રહલાદજી ખેતરમાં બોર બનાવવાના કામે આવ્યો હતો અને મોબાઈલ ચાર્જિંગના બહાને વાતચીત શરૂ કરીને તેનો ફોન નંબર મેળવી લીધો હતો. ત્યારપછી આરોપીએ પ્રેમનો ઢોંગ કરવો શરૂ કર્યો હતો. યુવતીએ તેને સ્પષ્ટ ના કહી હોવા છતાં તે સંપર્કમાં રહ્યો. એક રાત્રે જ્યારે યુવતી બાથરૂમ જવા ગઈ ત્યારે આરોપીએ તેની મરજી વિરુદ્ધ ખેતરમાં દુષ્કર્મ આચર્યું અને ધમકી આપી હતી, જેના કારણે યુવતી ખોળી ગઈ હતી.
બોરનું કામ પૂરું કર્યા બાદ આરોપી ગામ છોડીને ગયો હતો, પણ સતત યુવતીને ફોન કરતો રહ્યો. 27 જૂન, 2025ની રાત્રે 1 વાગ્યે તેણે યુવતીને ધમકી આપી રોડ પર બોલાવી અને ત્યાંથી લઈ ગયો. ત્યારબાદ બંને મળીને અલગ-અલગ ગામોમાં સગા, મિત્રો અને ઓળખીતાઓના ઘરે થોડાક દિવસ રોકાતા રહ્યા.
આ સમયગાળામાં આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપીને વારંવાર શારીરિક શોષણ કર્યું. યુવતીના ગુમ થવા અંગે ફરિયાદ નોંધાતા પોલીસે શોધખોળ કરીને યુવતીને શોધી કાઢી હતી. યુવતીનો અધિકારપૂર્વકનો નિવેદન લઈને ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી માટે તપાસ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર