કોડીનાર મિતિયાજ ગ્રામ પંચાયત કચેરી રાત્રિના સમયે પણ ખુલ્લી રહેશે, સવારે વ્યસ્ત રહેતા લોકોને ફાયદો થશે
ગીર સોમનાથ 27 જુલાઈ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતિયાજ ગામના નવનિયુક્ત સરપંચ સુરપાલસિંહ બારડે ગ્રામજનો અને ખાસ કરીને ગરીબ, મધ્યમ વર્ગના ખેડૂતો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. હવેથી, મિતિયાજ ગ્રામ પંચાયત ક
કોડીનાર  મિતિયાજ ગ્રામ પંચાયત


ગીર સોમનાથ 27 જુલાઈ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતિયાજ ગામના નવનિયુક્ત સરપંચ સુરપાલસિંહ બારડે ગ્રામજનો અને ખાસ કરીને ગરીબ, મધ્યમ વર્ગના ખેડૂતો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. હવેથી, મિતિયાજ ગ્રામ પંચાયત કચેરી રાત્રિના સમયે પણ ખુલ્લી રહેશે, જેથી દિવસ દરમિયાન કામકાજમાં વ્યસ્ત રહેતા લોકો સરળતાથી પંચાયતની સેવાઓનો લાભ લઈ શકે.

મિતિયાજ ગામના નવનિયુક્ત સરપંચ સુરપાલસિંહ બારડ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ, આજ થી દરરોજ રાત્રે 8:30 થી 10:00 વાગ્યા સુધી ગ્રામ પંચાયતની ઓફિસ ખુલ્લી રહેશે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ એ છે કે, ગામના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તેમજ ખેડૂતો આખો દિવસ મજૂરી કામ અને ખેતીવાડીના કાર્યોમાં વ્યસ્ત રહેતા હોય છે. જેના કારણે તેઓને દિવસ દરમિયાન પંચાયત સંબંધિત કામગીરી માટે સમય મળતો નથી.

આ નવી વ્યવસ્થાથી, ગ્રામજનો અને ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવામાં તથા તેમની સમસ્યાઓના નિરાકરણમાં ઘણી મદદ મળશે. સરપંચ બારડે જણાવ્યું કે, આ રાત્રિ સેવા દરમિયાન વિધવા સહાય, વૃદ્ધાવસ્થા પેન્શન, આરોગ્ય લક્ષી યોજનાઓ,, આધારકાર્ડ, રેશનકાર્ડ, જેવી તમામ પ્રકારની યોજનાઓ સંબંધિત કામગીરી થઈ શકશે. આ ઉપરાંત, ખેડૂતોને મુંઝવતા પ્રશ્નો જેવા કે જમીન સંબંધિત મુદ્દાઓ, સરકારી સહાય, કે ખેતીવાડી સંબંધિત અન્ય કોઈ પણ બાબતે નિરાકરણ મેળવી શકાશે. સરપંચ સુરપાલસિંહ બારડના આ નિર્ણયને મિતિયાજ ગામના લોકો અને આસપાસના વિસ્તારના ખેડૂતો દ્વારા ઉષ્માભર્યો આવકાર મળ્યો છે. આ પગલું દર્શાવે છે કે, નવનિયુક્ત સરપંચ ગ્રામજનોની સેવા માટે સંપૂર્ણપણે તત્પર અને પ્રતિબદ્ધ છે. આશા છે કે આ પ્રેરણાદાયક પહેલ અન્ય ગ્રામ પંચાયતો માટે પણ એક દાખલારૂપ બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande