મહેસાણા, 27 જુલાઈ (હિ.સ.) : પ્રાકૃતિક ખેતી માત્ર જમીન માટે ફાયદાકારક જ નહીં, પરંતુ માનવ સ્વાસ્થ્ય માટે પણ આશીર્વાદરૂપ છે. ચોમાસાની ઋતુમાં પાટણ સહિત અનેક ખેડૂત હવે કુદરતી ખેતી તરફ વળી રહ્યા છે. વાવણી પહેલા ઉંડી ખેડ ટાળી, હળવી ખેડ કરવી, ઘનજીવામૃતથી માટીને સજીવ બનાવવી અને સ્થાનિક દેશી, રોગમુક્ત જાતોના બીજ પસંદ કરીને તેને બીજામૃતથી સંસ્કાર કરવું જરૂરી છે.
વાવણી બાદ તરત જ ઘાસ, પાંદડા અને પાક અવશેષોથી મલ્ચિંગ કરવાથી જમીનમાં ભેજ જળવાય છે અને તાપમાન નિયંત્રિત રહે છે. જીવનદાયી ઘટકો જેમ કે જીવામૃત, અગ્નિઅસ્ત્ર અને નિમાસ્ત્રને પહેલેથી તૈયાર રાખવાથી સમયસર છંટકાવ શક્ય બને છે. આ સાથે જ ભેજનું દૈનિક નિરીક્ષણ, નિંદામણ પર નિયંત્રણ અને પાકના વિકાસ પર સતત નજર રાખવી જરૂરી છે.
વાવણી પછીના 3 થી 7 દિવસમાં બીજ ઉગે છે કે નહીં તેની ચકાસણી કરવી જોઈએ. જો નબળા છોડ દેખાય તો જીવામૃતનો છંટકાવ કરવો. આમ, કુદરતી રીતો અપનાવવાથી ખેડૂત માત્ર જમીનનો સંતુલન જ જાળવી શકશે નહીં, પણ આરોગ્યપ્રદ અને આર્થિક રીતે સફળ ખેતી તરફ પણ આગળ વધી શકશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR