મહેસાણા, 27 જુલાઈ (હિ.સ.) : વિસનગર શહેરમાં છેલ્લા 12 કલાકમાં પડેલા અવિરત પાંચ ઇંચ વરસાદે શહેરમાં ભારે તબાહી સર્જી છે. ખાસ કરીને ગંજબજાર અને APMC વિસ્તાર જળબંબાકાર થઇ ગયા છે. ગંજબજાર ગેટ આગળ નદી વહેતી હોય તેમ દ્રશ્યો સર્જાયા હતા. ધસમસતા પાણીના પ્રવાહે દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓના માલસામાનને ભારે નુકસાન થયું છે. જેના કારણે વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો.
કાંસા ચોકડીથી લઈને ગંજબજાર રોડ સુધીના વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. વાહનચાલકોને ઘૂંટણ સુધીના પાણીમાંથી પસાર થવું પડતાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાય વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા.
ચિંતાજનક બાબત એ છે કે પાલિકા દ્વારા અંદાજિત 4 કરોડ રૂપિયાના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન બાંધવામાં આવી હોવા છતાં હાલત યથાવત રહી છે. સ્થાનિકોએ તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠાવ્યા છે કે કરોડોના ખર્ચ બાદ પણ પાણીનો નિકાલ ન થાય તો જવાબદારી કોણ લેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR