મહેસાણા, 27 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ખેડૂતો માટે ખુશખબર છે. વર્ષ 2025-26 માટે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજના ‘કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ’ અંતર્ગત હવે ખેડૂત મિત્રો મિની કૃષિ સાધનો ખરીદી પર સહાય મેળવી શકશે.
આ યોજનાનો લાભ લેવા માટે i-ખેડૂત પોર્ટલ 25 જુલાઈથી 8 ઑગસ્ટ 2025 સુધી ખેડૂતોએ અરજી કરવાની રહેશે. અરજી કરતા પહેલા ખેડૂતોએ https://ikhedut.gujarat.gov.in પોર્ટલ પર નોંધણી કરવી ફરજિયાત છે.
આ યોજનામાં મિની ટ્રેક્ટર (20 PTO HP સુધી) ખરીદી પર સામાન્ય જાતિના ખેડૂતોને 25% અથવા રૂ. 75,000 અને અનુસૂચિત જાતિના ખેડૂતોને 50% અથવા રૂ. 1,25,000 સહાય મળશે.
તદઉપરાંત રોટાવેટર અને કલ્ટીવેટર જેવી મશીનો ખરીદી પર પણ સરકારી સહાય મળશે. રોટાવેટર માટે સામાન્ય જાતિને રૂ. 40,000 અને અનુસૂચિત જાતિને રૂ. 60,000 સહાય મળવાપાત્ર છે. કલ્ટીવેટર માટે રૂ. 10,000 અને રૂ. 15,000 સુધીની સહાય આપવામાં આવશે.
તે જ રીતે મિની ટ્રેલર અને પાણીના ટેન્કર પર પણ ખેડૂતોને ખર્ચના 50% અથવા 75% અનુસંધાને રૂ. 40,000 થી 60,000 સુધીની સહાય મળવા પાત્ર છે.
ખેડૂતોએ અરજીમાં જરૂરી દસ્તાવેજો ઓનલાઇન અપલોડ કરીને અરજી કન્ફર્મ કરવી રહેશે અને તેના પછી મંજૂરી મળ્યા બાદ કલેઈમ માટે જરૂરી નકલો સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં. S-2, બ્લોક નં. 1, બહુમાળી ભવન, મહેસાણા ખાતે જમા કરાવવી રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR