પાટણ, 3 જુલાઈ (હિ.સ.) : પાટણ તાલુકાના ગદોસણ ગામ નજીક મેમદપુરના મહાલક્ષ્મી પેટ્રોલપંપના મેનેજર ભદ્રેશ દવે પાસેથી લૂંટ કરનાર છ આરોપીઓને પાટણની જ્યુડિશિયલ કોર્ટે જેલહવાલે કર્યા છે. 25 જૂને આરોપીઓએ છરી બતાવીને મેનેજર પાસેથી રૂ. 89 હજારની રોકડ રકમ લૂંટી હતી. પોલીસે આરોપીઓને પકડ્યા બાદ કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં મેજિસ્ટ્રેટ ડી.એમ. ચૌહાણે રિમાન્ડની માંગણી નામંજૂર કરી હતી.
લૂંટ બાદ આરોપીઓએ રોકડ રકમ કાઢી પરત બેગને ફરિયાદીના આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતના દસ્તાવેજો સાથે કેનાલમાં ફેંકી દીધી હતી. પોલીસે કેનાલમાં તપાસ હાથ ધરી હતી, પરંતુ બેગ મળી નથી. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટની રકમ, બાઈક, રિક્ષા અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. જુદી જુદી વસુલાતમાં બાબુજી પાસેથી 29 હજાર રોકડા અને 10 હજારનો ફોન, હિતેશજી પાસેથી 30 હજાર રોકડા, 25 હજારનું બાઈક અને 5 હજારનો ફોન, સંજય પાસેથી 30 હજારનું બાઈક અને બે મોબાઈલ ફોન મળ્યા છે. રાહુલ પાસેથી છરી અને 5 હજારનો ફોન જ્યારે વિશાલ પાસેથી 5 હજારનો ફોન જપ્ત થયો છે.
તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ લૂંટની યોજના ઘટનાની 10-11 દિવસ પહેલાં પાટણના રાજપુર બસ સ્ટેન્ડ પાસે મળી તૈયાર કરી હતી. તેમણે અલગ અલગ સ્થળે ઊભા રહી લૂંટને અંજામ આપ્યો હતો. હવે પોલીસે આ કેસમાં BNS કલમ 61(2) ઉમેરવાની મંજૂરી માટે કોર્ટમાં અરજી કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર