પાટણ, 3 જુલાઈ (હિ.સ.) : એમિટી યુનિવર્સિટી, નોઈડા ખાતે એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ (AIU)ની 99મી નેશનલ કોન્ફરન્સ ઓફ વાઇસ ચાન્સેલર્સ 2024-25નું આયોજન કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સનું ઉદ્ઘાટન ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે કર્યું હતું, જયારે સમાપન સમારોહમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ઇન્વિઝનાઈઝિંગ ફ્યુચર ઓફ હાયર એજ્યુકેશન: ધ પિવોટલ રોલ ઓફ ઇન્ડિયા વિષય પર આ સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. કિશોરભાઈ પોરિયાએ સક્રિય ભાગ લીધો હતો.
આ કોન્ફરન્સમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક દબાણ અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના નિષ્ફળતાના ડર અને માતા-પિતાની ઊંચી અપેક્ષાઓ જેવા કારણો શિક્ષણ દરમિયાન વધતા તણાવના મુખ્ય ઘટકો તરીકે ચિહ્નિત થયા. યુનિવર્સિટીઓએ હવે વિદ્યાર્થીઓની લાગણીઓ અને માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓને ગંભીરતાપૂર્વક લેવા જોઈએ તેવી ભલામણ પણ કરવામાં આવી.
કોન્ફરન્સમાં NEP-2020ને વૈશ્વિક ટકાઉ વિકાસ લક્ષ્યોની સિદ્ધિ માટે એન્જિન તરીકે રજૂ કરવામાં આવ્યું. ભારતીય જ્ઞાન પરંપરા વસુધૈવ કુટુંબકમ્ના સિદ્ધાંત પર આધારિત છે અને આજના સમયમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ તથા નીતિગત સુધારાઓ સાથે ઉચ્ચ શિક્ષણમાં અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તનો આવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર