પોરબંદર, 3 જુલાઈ (હિ.સ.) : પોરબંદર શહેરના હૃદય સમાન ચોપાટીને વધુ સુરક્ષિત બનાવવા પોલીસ દ્વારા તંત્ર સમક્ષ દરિયા કિનારે પોલીસ ચોકી બનાવવા જગ્યાની માંગણી કરવામાં આવી છે. ચોપાટી દરિયા કિનારે પ્રવાસીઓ, શહેરીજનો તથા વી.આઈ. પી.લોકોની સતત અવર-જવર રહે છે ત્યારે કમલાબાગ પી.આઈ. રાજેશ કાનમિયા દ્વારા ચોપાટી વિસ્તારમાં પોલીસ ચોકી બનાવવાનું આયોજન કર્યું છે તે માટે તેમના દ્વારા તંત્ર સમક્ષ પોલીસ ચોકી માટે જગ્યાની માંગણી કરી છે. પોરબંદરની રળીયામણી ચોપાટી ખાતે લોકોની સતત અવર-જવર રહે છે ખાસ કરીને શનિ-રવીમાં શહેરીજનો દરિયા કિનારે પરિવાર સાથે સમય વિતાવવા આવે છે.
દરિયા કાંઠે લોકો પરિવાર સાથે બેસી શાંત વાતાવરણનો આનંદ માણતા હોય છે. તેમજ બહારના પ્રવાસીઓ પણ સામાન્ય દિવસોમાં દરિયા કિનારે ફોટોગ્રાફી તેમજ પરિવાર સાથે આનંદ માણતા હોય છે સાથે સાથે ચોપટી વિસ્તારમાં સર્કિટ હાઉસ આવેલું છે જ્યાં વી.વી.આઈ.પી મુમેન્ટ જોવા મળતી હોય છે. સવાર અને સાંજ લોકો વોકિંગ કરવા મોટી સંખ્યામાં આવતા હોય છે. આ સાથે ચોપાટી ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમીના તહેવારે લોકમેળાનું આયોજન થાય છે જ્યાં લાખો લોકો પરિવાર સાથે મેળાની મોજ માણવા આવતા હોય છે. ચોપાટી વિસ્તાર ભીડભાડ વાળો વિસ્તાર છે ત્યારે આ વિસ્તારની સુરક્ષા કમલાબાગ પોલીસના હાથ માં છે. તે જોતા કમલાબાગ પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર રાજેશ કાનમિયાનું ચોપાટી વિસ્તારમાં પોલીસ ચોકી બનાવવાનું સપનું છે. તે માટે તંત્ર સમક્ષ દરિયા કિનારે પોલીસ ચોકી બનાવવા જગ્યાની માંગણી કરવામાં આવી છે. તંત્ર દ્વારા જગ્યાની મંજૂરી મળ્યા બાદ પોલીસ ચોકી બનાવવાનું આગળનું આયોજન કરવામાં આવશે પરંતુ પોરબંદર પોલીસે ચોપાટી વિસ્તારમાં પોલીસ ચોકી બનાવવાનું આયોજન કરતા પોરબંદર વાસીઓએ પણ આ નિર્ણયને આવકાર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya